અમદાવાદમાં હોમગાર્ડ અને ડ્રાઇવરની અંતિમવિધિ થઈ, કોન્સ્ટેબલનો મૃતદેહ વતન પહોંચતા ગામમાં માતમ
અમદાવાદ
26 માર્ચ બુધવારના રોજ હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરો ગાડી (GJ 18 JB 7819) એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના 2 કર્મચારી અને 1 ડ્રાઈવરનું મોત થયું હતું. ત્યાર બાદ આજે(28 માર્ચ, 2025) ત્રણેયના મૃતદેહને અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર સહિતના પોલીસકર્મીઓ અને મૃતકોનાં પરિવારજનો દ્વારા તમામ મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ મૃતદેહોને તેઓના ઘરે લઈ જવાયા હતા. જેમાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને વતન તાપી લઈ જવાયો છે. જ્યારે ખાનગી ડ્રાઇવર અને હોમગાર્ડના મૃતદેહને પણ સીટીએમ અને સિંગરવા તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા.

ડ્રાઇવર ઘનશ્યામભાઈ ભરવાડના અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો અને સ્થાનિક રહીશોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે હોમગાર્ડ રવિન્દ્રસિંહ ક્ષત્રિયની પણ બપોરે અંતિમવિધિ કરવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના પાર્થિવદેહ તાપી જિલ્લાના ડોલવણના ગડત ગામે તેમના નિવાસ સ્થાને લવાયો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાશે.
અપડેટ્સ
પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના પાર્થિવદેહ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામે તેમના નિવાસ સ્થાને લવાયો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાશે.

ખાનગી ડ્રાઇવર ઘનશ્યામભાઈ ભરવાડનો મૃતદેહ હાટકેશ્વર સ્મશાને લાવવામાં આવ્યો છે. થોડીવારમાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાટકેશ્વર સ્મશાન ખાતે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો અને સ્થાનિક રહીશો પહોંચ્યા છે.
રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને હરિયાણા ખાતે લઈ જનારા ખાનગી ડ્રાઇવર ઘનશ્યામભાઈ ભરવાડના મૃતદેહને સિટીએમ સિંધવાઈ ગામ ભરવાડ વાસ ખાતે લાવવામાં આવતા ભારે ગમગીનીનો માહોલ છવાયો છે. સમગ્ર ભરવાડ વાસના રહીશો દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મૃતદેહ ઘરે આવતાની સાથે જ પરિવારજનોએ રોકકળ કરી મૂકી હતી.

ખાનગી ડ્રાઇવર અને હોમગાર્ડના મૃતદેહોને પણ સિટીએમ અને સિંગરવા તેઓના ઘરે લઈ જવાયા છે. બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મૃતકના પરિવારજનો, મિત્રો અને સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ત્રણેય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.પોલીસ કમિશનર મૃતકોના પરિવારજનોને મળ્યાંપોલીસ કમિશનર જી. એસ. મલિક મૃતકના પરિવારજનોને મળ્યા હતા. પરિવારમાં કોણ કોણ છે? તેમની વિશે પૂછ્યું હતું. મૃતકના પરિવારને આ દુઃખમાં સહભાગી થઈ સાંત્વના પાઠવી હતી.પોલીસકર્મીઓના મૃદેહ અમદાવાદ લવાયા
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી, હોમગાર્ડ અને ડ્રાઇવરના મૃતદેહ અમદાવાદ લવાયા છે. અમદાવાદ પોલીસ કમિશનર, પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, હોમગાર્ડના અધિકારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પોલીસકર્મી સુનિલ ગામિત, કારચાલક ઘનશ્યામ કનુભાઈ ભરવાડ અને હોમગાર્ડ રવિન્દ્રસિંહ ક્ષત્રીયને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તમામ મૃતકના પરિવારના સભ્યો પણ હાજર છે. પરિવારના સભ્યોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી. પરિવાર તમામ મૃતકોને લઈને ઘરે જશે.શું છે સમગ્ર મામલો
રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. ત્યારે 26 માર્ચે બુધવારના સવારે 5.30 વાગ્યે હરિયાણાના સિરસા જિલ્લામાં ભારતમાલા રોડ પર અજાણ્યા વાહન સાથે તેઓની બોલેરો ગાડી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવીન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે, જ્યારે PSI જે.પી. સોલંકી ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી એક પંજાબની નંબર પ્લેટ મળી આવી હતી. જેના આધારે પોલીસ અજાણ્યા વાહનને શોધવા તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત 8 વર્ષથી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. થોડા દિવસ અગાઉ તેમની રામોલથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે સોમવારે તેમની ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી. પરંતુ છૂટા કરવામાં આવ્યા નહોતા. જો કે, 26 માર્ચ, 2025ના વહેલી સવારે અકસ્માતમાં તેમનું મોત થયું હતું. તેમનું પ્રથમ પોસ્ટિંગ 2017માં રામોલ પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવ્યું હતું. તે અમરાઈવાડી પોલીસ લાઈનમાં તેમના બહેન સાથે રહેતા હતા. તેમના બહેન પણ સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા હતા. જ્યારે માતા-પિતા તેમના વતન તાપી ખાતે રહે છે. સુનિલ ગામિત અપરણિત હતા.

આ અકસ્માતમાં ઘનશ્યામ ભરવાડ નામના ખાનગી ડ્રાઇવરનું પણ મોત થયું હતું. ઘનશ્યામ ભરવાડ સીટીએમ ભરવાડવાસ ખાતે તેમની પત્ની, નાના બાળકો અને તેમના માતા-પિતા સાથે રહેતા હતા. તેમને પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે બહારગામ ગાડી ચલાવવા લઈ જવામાં આવતા હતા.
અકસ્માતમાં હોમગાર્ડ જવાન રવીન્દ્ર ક્ષત્રિયનું પણ મોત થયું હતું. તેઓ પણ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની, બાળકો અને માતા છે. તેઓ સિંગરવા ગામના સોમનાથ પાર્કમાં રહે છે. તેમના પડોશીના ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તેમના પરિવારને અન્ય સ્વજનોના ઘરે લઈ જવામાં આવ્યા હતા.