ધરોઈ કંપામાં વૃદ્ધાની હત્યા અને લૂંટનો મામલો: પોલીસની ઢીલી કામગીરી સામે લોકરોષ ભભૂક્યો

October 28, 2026

સતલાસણાના ધરોઈમાં ચકચારી હત્યા અને ધાડની ઘટનાના ૪૮ દિવસ બાદ પણ તંત્ર સાવ વામણું: ન્યાય માટે સર્વ સમાજની વિશાળ રેલી

 

કડવા પાટીદાર સમાજ અને સ્થાનિક અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આરોપીઓની તુરંત ધરપકડ કરવાની કરી ઉગ્ર માંગ, ન્યાય નહીં મળે તો ચક્કાજામ અને ઉગ્ર આંદોલનની ચીમકી

ગરવી તાકાત

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ગામના કંપા વિસ્તારમાં ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સુમારે ઘટેલી લૂંટ, ધાડ અને હત્યાની કંપારી છૂટી જાય તેવી ચકચારી ઘટનાને દોઢ માસ કરતાં વધુ એટલે કે ૪૮ દિવસનો લાંબો સમય વીતી ચૂક્યો હોવા છતાં સ્થાનિક પોલીસ પ્રશાસન હજુ સુધી આ જઘન્ય અપરાધનો ભેદ ઉકેલવામાં સાવ વામણું પુરવાર થયું છે. એક શાંત અને નિર્દોષ પરિવારના રહેણાક મકાનને નિશાન બનાવી ઘાતકી હથિયારો સાથે ત્રાટકેલા અજાણ્યા ધાડપાડુઓએ નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો. જેમાં ૮૦ વર્ષીય વૃદ્ધા દિવાબેન શંકરભાઈ પટેલનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય બે સભ્યો શારદાબેન અને વીરાભાઈ ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત થયા હતા. લૂંટારુઓ ઘરમાં રહેલી આશરે દસ લાખ રૂપિયાથી વધુની રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિતની કિંમતી મતાની ઘરફોડ ચોરી કરીને અંધારામાં પલાયન થઈ ગયા હતા.

આટલી મોટી લોહિયાળ ઘટના અને હત્યાકાંડને આટલો લાંબો સમય પસાર થઈ જવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર કડી મેળવી શકાઈ નથી કે ગુનેગારો સુધી પહોંચવામાં કોઈ નોંધપાત્ર સફળતા મળી શકી નથી. ખૂંખાર આરોપીઓ હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી ભોગ બનનાર શોકગ્રસ્ત પીડિત પરિવાર સહિત સમગ્ર સતલાસણા પંથકની પ્રજામાં ભારે ફફડાટ, અસલામતી અને ઉગ્ર આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ પણ આ સમગ્ર પંથકમાં નાની-મોટી ચોરીઓની વણઝાર સર્જાઈ હોવા છતાં પોલીસ વિભાગની ઢીલી અને નિષ્ક્રિય નીતિના કારણે સામાન્ય નાગરિકો, ખેડૂતો તેમજ વેપારીઓ સતત ભય અને દહેશતના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.

પોલીસ પ્રશાસનની ઘોર નિષ્ક્રિયતા સામે લોકરોષ ચરમસીમાએ પહોંચતાં આખરે ગઢવાડા કડવા પાટીદાર સમાજ, સતલાસણા તાલુકાના સર્વ સમાજના અગ્રણીઓ, સ્થાનિક વેપારી મંડળના પ્રતિનિધિઓ તેમજ સરદાર પટેલ સેવાદળ જૂથના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ન્યાયની પુકાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. નગરમાં એક વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરીને મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્ય પોલીસ વડા, ગૃહ સચિવ, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને સંબોધતું એક વિસ્તૃત આવેદનપત્ર સ્થાનિક વહીવટી અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું.

આવેદનપત્ર પાઠવતી વેળાએ ગઢવાડા કડવા પાટીદાર સમાજના પ્રમુખ જંતીલાલ જોયતારામ અને અન્ય ઉપસ્થિત આગેવાનોએ તંત્ર સમક્ષ ભારે નારાજગી અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કોઈ સામાન્ય ચોરીની ઘટના નથી પરંતુ એક લાચાર વૃદ્ધાની નિર્મમ હત્યા અને લાખો રૂપિયાની ધાડનો અત્યંત ગંભીર અપરાધ છે. જો હુમલાખોરો વધુ ઘાતક બન્યા હોત તો આ કિસ્સો ત્રિપલ મર્ડરમાં ફેરવાઈ ગયો હોત. આવા જઘન્ય કિસ્સામાં પણ જો સ્થાનિક પોલીસ આરોપીઓ સુધી પહોંચી ન શકતી હોય તો સામાન્ય નાગરિકોની જાન-માલની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થાય છે. સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોતાની વિશેષ ટીમો મેદાનમાં ઉતારીને તાત્કાલિક અસરથી આ ગુનેગારોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ.

સર્વ સમાજના આગેવાનોએ આવેદનપત્ર દ્વારા સ્પષ્ટ માંગ કરી છે કે આરોપીઓની વિલંબ વગર ધરપકડ કરવામાં આવે, સમગ્ર કેસની તટસ્થ અને ઝડપી ન્યાયિક તપાસ હાથ ધરાય, પીડિત પરિવાર તેમજ ઈજાગ્રસ્ત સભ્યોને પૂરતું કાયમી પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે અને પોલીસ ફરિયાદમાં લૂંટ તથા ધાડની કડક કલમોનો ઉમેરો કરવામાં આવે. આગેવાનોએ વહીવટી તંત્રને આખરી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આગામી દિવસોમાં પોલીસ તંત્ર કોઈ સંતોષકારક પરિણામ નહીં આપે અને ગુનેગારોને નહીં પકડે, તો સમગ્ર સતલાસણા તાલુકાના તમામ સમાજો એકત્ર થઈને ગાંધીચિંધ્યા માર્ગે રસ્તા રોકો, ચક્કાજામ અને તીવ્ર આંદોલન છેડશે, જેની સંપૂર્ણ વહીવટી અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી પોલીસ તંત્રની રહેશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0