શંખલપુરમાં બે વર્ષથી તૂટેલી માયનોર કેનાલનું સમારકામ ન થતાં ૧,૦૦૦ વીઘામાં રવિપાક સુકાવાની ભીતિ: ખેડૂતો પાણી માટે વલખાં મારવા મજબૂર

ગરવી તાકાત
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી અને લાપરવાહીનો ભોગ સ્થાનિક ધરતીપુત્રો બની રહ્યા છે. ગામમાંથી પસાર થતી માયનોર કેનાલ છેલ્લા બે વર્ષથી બિસ્માર અને તૂટેલી હાલતમાં પડી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા તેનું સમારકામ કરવામાં ન આવતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત બન્યા છે. એક તરફ ચાલુ વર્ષે ઓછા અને અનિયમિત વરસાદના કારણે ધરતીપુત્રોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે હવે ખેડૂતોએ રાત-દિવસ એક કરીને મહામૂલા બિયારણ અને ખાતર વાપરીને રવિપાકનું વાવેતર કર્યું છે. હાલના તબક્કે રવિપાકને બચાવવા માટે સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ કેનાલ જ તૂટેલી હોવાથી ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી અને ખેડૂતોનો શિયાળુ પાક નજર સામે જ સુકાઈ રહ્યો છે.
આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક ખેડૂતો દ્વારા સંબંધિત સિંચાઈ વિભાગના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રના બહેરા કાને કોઈ વાત અથડાતી નથી. અધિકારીઓ છેલ્લા બે વર્ષથી માત્ર પોકળ વાયદાઓ આપીને દિવસો પસાર કરી રહ્યા છે. સ્થાનિક જાગૃત ખેડૂત સાગરભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે પણ ખેડૂતો ભેગા થઈને તંત્રના જવાબદાર અધિકારીઓને ફોન કરે છે ત્યારે અધિકારીઓ માત્ર “અમે સ્થળ તપાસ માટે આવીએ છીએ, નવી કેનાલ બનાવી આપીએ છીએ” તેવાં જુઠ્ઠા આશ્વાસનો આપીને ફોન કાપી નાખે છે અથવા ખેડૂતોના ફોન ઉપાડવાનું જ ટાળે છે. ખેડૂતોની રોજિંદી સમસ્યાઓ પ્રત્યે સરકારી બાબુઓનું આવું ઉદાસીન વલણ અત્યંત આઘાતજનક છે.
સરકારી તંત્રની આવી નિંભર નીતિના કારણે ગત વર્ષે પણ ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા હતા. આખરે લાચાર બનેલા ખેડૂતોએ પોતાના ખિસ્સામાંથી દસ હજાર રૂપિયા ભેગા કરીને પાઇપલાઇન ખરીદી હતી અને જેમતેમ કરીને કેનાલમાંથી આગળ પાણી લઈ જવાની ફરજ પડી હતી. ખેડૂતોએ પોતાની જાતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તંત્રએ પોતાની ભૂલ સુધારીને કાયમી કામ કરવાની કોઈ તસ્દી લીધી નહોતી. આ તૂટેલી માયનોર કેનાલના કમાન્ડ વિસ્તાર હેઠળ અંદાજે એક હજાર વીઘાથી પણ વધુ ફળદ્રુપ ખેતીની જમીન આવેલી છે. હાલ ખેતરોમાં મોંઘાભાવના એરંડા અને રાયડા જેવા શિયાળુ પાકનું વાવેતર થયેલું છે. પાકને અત્યારે જીવનદાન સમાન પાણીની જરૂર છે, પરંતુ સમયસર પાણી ન મળવાના કારણે આ હજારો વીઘાનો પાક સુકાઈને ખાખ થઈ જવાની અણી પર પહોંચી ગયો છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, પાંડેજી સહિતના સંબંધિત જવાબદાર અધિકારીઓને સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા હોવા છતાં તેમના તરફથી પરિણામલક્ષી કોઈ પગલાં લેવાયાં નથી. ધરતીપુત્રોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. મોંઘા ભાવનાં બિયારણ, ખાતર અને ખેડ પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડે તેવી સ્થિતિ ઊભી થતાં સમગ્ર પંથકના ખેડૂતોમાં તંત્ર અને સરકાર સામે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. ખેડૂતોએ એકસૂરે ઉગ્ર માગણી કરી છે કે શંખલપુરની આ માયનોર કેનાલનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે અને રવિપાક બચી જાય તે માટે વહેલી તકે સિંચાઈનું પાણી છોડવામાં આવે, અન્યથા ધરતીપુત્રોને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.