તહેવારો ટાણે મહેસાણા એલસીબીની મોટી કાર્યવાહી

October 12, 2026

મહેસાણામાં ગેરકાયદે દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે બે સગીરો ઝડપાયા: હથિયાર સપ્લાય કરનાર શખ્સ સામે ગુનો દાખલ

 

સાંઈબાબા રોડ નજીકથી મેગેઝિન, ૩ જીવતા રાઉન્ડ અને મોબાઈલ સહિત ₹૩૫,૩૦૦નો મુદ્દામાલ જપ્ત, ફરાર સપ્લાયરની શોધખોળ તેજ

ગરવી તાકાત ઃ12-10-2026

મહેસાણા જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાને રાખીને અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલી કડક સૂચનાઓના પગલે સ્થાનિક ગુના શોધક શાખા (એલસીબી)ને મોટી સફળતા સાંપડી છે. મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમે ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોને ઝડપી લીધા છે.

મહેસાણા એલસીબી પીઆઈ એ.એમ. કામળીયા અને પીએસઆઈ બી.વી. વાઘેલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સાંઈબાબા રોડ પર આવેલી મનોહર પાર્ક સોસાયટીથી લાખવડી ભાગોળ જવાના માર્ગે દરગાહ નજીક બે શંકાસ્પદ ઈસમો ઘાતક હથિયાર સાથે ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરતાં બંને સગીરો પકડાઈ ગયા હતા. તેમની અંગઝડતી લેતાં તેમની પાસેથી ₹૨૫,૦૦૦ની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ, ત્રણ જીવતા કારતૂસ, એક લોખંડનું મેગેઝિન અને ₹૧૦,૦૦૦નો મોબાઈલ ફોન મળી કુલ ₹૩૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ સગીરોને ગેરકાયદે પિસ્તોલ મહેસાણાના કસ્બા છીંદીવાડો વિસ્તારમાં રહેતા તોફિકખાન ઉર્ફે મોયડી નુરમહંમદખાન પઠાણ નામના શખ્સે પૂરી પાડી હતી. રેડ દરમિયાન આ હથિયાર સપ્લાયર હાજર મળી ન આવતાં પોલીસે તેની સામે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો વિરુદ્ધ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સરાહનીય કામગીરીમાં એલસીબી સ્ટાફના મહેન્દ્રકુમાર, હરેન્દ્રસિંહ, મેહુલકુમાર, ધવલકુમાર, કલ્પેશકુમાર અને આશીકકુમાર સહિતના જવાનો જોડાયા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0