ચાર પુખ્ત આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર ઝડપાયા; દંપતી સહિત ટ્રક ચાલકોને લૂંટ્યાની કબૂલાત, રૂ.1.16 લાખનો મુદ્દામાલ રિકવર
ગરવી તાકાત ઃ કડી
તા.10-9-2026
મહેસાણા જિલ્લાના કડી પંથકમાં રાત્રિના સુમારે અવાવરૂ જગ્યાઓ અને કેનાલના સર્વિસ રોડ પર નિર્દોષ રાહદારીઓ તેમજ વાહનચાલકોને છરીની અણીએ નિશાન બનાવી લૂંટ ચલાવતી રીઢા લૂંટારૂઓની એક ખતરનાક ગેંગને ઝડપી પાડવામાં કડી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે ચોક્કસ બાતમી અને રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ગોઠવેલી ફિલ્ડિંગના આધારે આ ગેંગના ચાર પુખ્ત વયના મુખ્ય સૂત્રધારો દશરથ ઉર્ફે દસો બજાણીયા, જોગેન્દર ઉર્ફે જોગી બજાણીયા, અર્જુન બજાણીયા અને ગોપાલ ઉર્ફે ગોપી રાવળની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય બે સગીરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આમ, પોલીસે કુલ છ જેટલા અસામાજિક તત્ત્વોને ઝડપી લઈ સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાવનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે.
આ લૂંટારૂ ટોળકીએ પવિત્ર રક્ષાબંધનની રાત્રે કડી-થોળ રોડ નજીક નર્મદાની મુખ્ય કેનાલના સર્વિસ રોડ પર પોતાની વેગનઆર કારમાં બેઠેલા એક દંપતીને ઘાતકી રીતે નિશાન બનાવ્યું હતું. અંધારાનો ગેરલાભ ઉઠાવીને અચાનક ધસી આવેલા આ શખ્સોએ કાર પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા અને કારમાં સવાર દંપતી પર છરી તાકી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દંપતી પાસેથી ચાંદીની લકી, વીંટી અને મોંઘાદાટ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી તમામ આરોપીઓ અંધારામાં નાસી છૂટ્યા હતા. આ ચકચારી બનાવ બાદ કડી પોલીસ સતર્ક બની હતી અને પેટ્રોલિંગ દરમિયાન બે પલ્સર બાઈક પર અત્યંત શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ઈસમોને ઘેરી લઈ અટકાવ્યા હતા. પોલીસ મથકે લાવી તેમની આગવી ઢબે અને કડકાઈપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવતાં દંપતી સાથે થયેલી લૂંટનો સમગ્ર ભેદ ઉકેલાઈ ગયો હતો.
પોલીસ દ્વારા હાથ ધરાયેલી સઘન અને ઊંડાણપૂર્વકની તપાસમાં આરોપીઓએ અન્ય ગુનાઓની પણ ચોંકાવનારી કબૂલાત કરી છે. આ ગેંગે અગાઉ પીરોજપર કેનાલ નજીક અકસ્માતગ્રસ્ત થઈને પલટી ગયેલી એક ટ્રકના લાચાર ચાલકને છરી બતાવી તેની પાસેથી રોકડા ૪૦ હજાર રૂપિયા તથા મોબાઈલ ફોન પડાવી લીધા હતા. આ ઉપરાંત થોળ રોડ પર બોરીસણા ગામની સીમ નજીકથી પસાર થતાં અન્ય એક ટ્રક ચાલકને રસ્તામાં આંતરી છરીની અણીએ ૨૨૦૦ રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી હોવાની કબૂલાત પણ કરી છે.
કડી પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી ચાંદીની લકી, વીંટી સહિત ગુનાને અંજામ આપવામાં વપરાયેલી બે પલ્સર મોટરસાઈકલ, તીક્ષ્ણ છરી અને લાકડાનો ધોકો મળીને કુલ રૂ. ૧,૧૬,૧૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે. સામાન્ય નાગરિકોમાં દહેશત ફેલાવનારા આ રીઢા ગુનેગારો સામે પોલીસે કાયદાનું કડક ભાન કરાવતાં તમામ આરોપીઓ પોલીસ મથકથી વાહન સુધી લંગડાતા લંગડાતા ચાલવા મજબૂર બન્યા હતા. પોલીસે આ વિસ્તારમાં આવા અસામાજિક તત્ત્વોનો ભોગ બનેલા અન્ય નાગરિકોને પણ કોઈપણ જાતના ડર વિના તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેર અપીલ કરી છે.


