ગરવી તાકાત ઃ 26-8-2026
વિજાપુર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામ ધર્મના સંસ્થાપક હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના ૧૫૦૧મા જન્મદિવસ એટલે કે પવિત્ર પર્વ ‘ઈદે મિલાદુન્નબી’ની અત્યંત ભક્તિભાવ, શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરને લઈને સમગ્ર શહેરમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. શહેરની તમામ નાની-મોટી મસ્જિદોને આકર્ષક રોશની અને ધજા-પતાકાઓથી શણગારવામાં આવી હતી તેમજ વિશેષ નમાઝ અને દુઆ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈદે મિલાદના આ મુબારક અવસરે શહેરની વિવિધ પ્રમુખ મસ્જિદોમાં પયગંબર સાહેબના પવિત્ર ‘બાલ મુબારક’ ખાસ દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા. આ પવિત્ર બાલ મુબારકના દીદાર કરવા માટે વિજાપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મુસ્લિમ બિરાદરો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર્શન માટે મસ્જિદોમાં લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર પરિસરમાં નિયાઝ અને પ્રસાદીનું મોટા પાયે વિતરણ કરી લોકોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
તહેવારની ઉજવણીના ભાગરૂપે શહેરમાં પરંપરાગત રીતે શાનદાર અને ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. નાત-એ-પાકની સુરાવલીઓ અને ધાર્મિક નારાઓ સાથે નીકળેલા આ ઝુલુસનું વિવિધ વિસ્તારોમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉજવણી દરમિયાન સમગ્ર શહેરમાં કોમી એકતા, ભાઈચારો, શાંતિ અને પરસ્પર સૌહાર્દનો અનોખો સંદેશ ગુંજી ઉઠ્યો હતો. મુસ્લિમ સમાજના અગ્રણીઓ, યુવાનો અને વડીલોએ સંપૂર્ણ શિસ્તબદ્ધ અને અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં એકત્ર થઈને આ પવિત્ર તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી સંપન્ન કરી હતી.


