ઇનોવા ગાડીમાંથી ₹૩.૮૮ લાખનો ૧૮૪૮ બોટલ દારૂ ઝડપાયો, રાજસ્થાનના ચાલક સહિત કુલ ₹૮.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત
ગરવી તાકાત ઃ 26-8-2026
મહેસાણા જિલ્લામાં અસામાજિક તત્વો અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે, ત્યારે કડી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા હાંસલ કરીને લક્ઝુરિયસ ઇનોવા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની કડક સૂચનાઓના પગલે કડી-થોળ અંડરપાસ પાસે હાથ ધરવામાં આવેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૮૪૮ બોટલો ભરેલી ઇનોવા ક્રિસ્ટા ગાડી સાથે એક શખ્સને રંગેહાથ દબોચી લીધો છે.
રાજ્યમાં દારૂબંધીના કાયદાનો ચુસ્ત અમલ કરાવવા અને ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશોના પગલે કડી પોલીસ ઇન્સપેક્ટર એ.એસ. રબારીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. આર.આર. પરમાર તથા તેમની ટીમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાઇટ પેટ્રોલિંગમાં તૈનાત હતી.
પેટ્રોલિંગ દરમિયાન કડી-થોળ અંડરપાસના થોળ તરફના છેડે પોલીસ ટીમ દ્વારા શંકાસ્પદ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે મહેસાણા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ઇનોવા ક્રિસ્ટા ગાડી (નંબર: GJ-02-CG-7520) ને પોલીસે રોકવાનો ઈશારો કર્યો હતો. પોલીસે કારને કોર્ડન કરીને તેની તલાશી લેતાં અંદરથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૮૪૮ બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. ૩,૮૮,૬૩૨/- આંકવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી ગાડી ચલાવી રહેલા રાજસ્થાનના બુટલેગર મુરાદખાં મીરૂખાં અલીખાં કંડીયા (રહે. ડુંગરવા ચબુતરા પાસે, તા. બાગોડા, જી. જાલોર, રાજસ્થાન) ને કસ્ટડીમાં લીધો હતો. આ સમગ્ર રેડ દરમિયાન પોલીસે રૂ. ૩,૮૮,૬૩૨/- ની કિંમતનો વિદેશી દારૂ, હેરાફેરીમાં વપરાયેલી આશરે રૂ. ૫,૦૦,૦૦૦/- ની કિંમતની ઇનોવા ક્રિસ્ટા ગાડી તથા રૂ. ૫,૦૦૦/- નો મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૮,૯૩,૬૩૨/- નો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે.
આ મામલે કડી પોલીસે પકડાયેલા આરોપી મુરાદખાં વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને સ્થાનિક કક્ષાએ કોને ડિલીવરી આપવાની હતી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. આ ગેરકાયદે નેટવર્કમાં દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર, ગાડીના મૂળ માલિક તેમજ તપાસમાં ખુલેલા લાલભાઇ નામના શખ્સ સહિતના અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


