શક્તિપીઠ બહુચરાજીમાં તંત્ર અને વહીવટકર્તાઓની ઘોર બેદરકારી સામે આવી

August 26, 2026

ઐતિહાસિક ગાયકવાડી તળાવ ગંદકીથી ખદબદ્યું: બ્યુટીફિકેશનની ગ્રાન્ટો વારંવાર પરત ગઈ, માઈભક્તોમાં ભારે રોષ

ગરવી તાકાત ઃ 26-8-2026

મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી માતાજી મંદિર હસ્તક આવેલા ઐતિહાસિક ગાયકવાડી તળાવની હાલમાં ભારે બદતર અને દયનીય હાલત જોવા મળી રહી છે. ગુજરાત સહિત દેશભરમાંથી દરરોજ મોટી સંખ્યામાં ઉમટતા લાખો માઈભક્તોની અતૂટ આસ્થા સાથે જોડાયેલા આ પવિત્ર પરિસરનું તળાવ હાલ અસહ્ય ગંદકી અને કચરાના ઢગલાઓથી ખદબદી રહ્યું છે. ગાયકવાડ સરકારના શાસનકાળ દરમિયાન માનાજીરાવ ગાયકવાડ દ્વારા પ્રજાહિત માટે નિર્માણ કરાયેલા આ ઐતિહાસિક તળાવના બ્યુટીફિકેશન અને નવીનીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા બેથી ત્રણ વખત માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર અને જવાબદાર વહીવટકર્તાઓની નિષ્ક્રિયતા, ઈચ્છાશક્તિનો અભાવ તેમજ ઘોર બેદરકારીના કારણે નિયત સમયમર્યાદામાં કામ શરૂ ન થતાં આ ગ્રાન્ટ વારંવાર સરકારમાં પરત જતી રહી છે, જેના પરિણામે મંદિરની બિલકુલ અડીને આવેલું આ પ્રમુખ જળાશય વિકાસથી વંચિત રહીને દુર્દશાનો ભોગ બન્યું છે.

મંદિરની ગરિમાને કલંકિત કરતી આ પરિસ્થિતિ વચ્ચે તળાવમાં આસપાસના સ્થાનિક બજારનો તમામ કચરો ખુલ્લેઆમ ઠલવાઈ રહ્યો છે અને આજુબાજુના વેપારીઓ દ્વારા પણ બેફામ ગંદકી ફેલાવવામાં આવી રહી છે. સ્થાનિક રહીશ દિનેશભાઈએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હાલમાં આ સ્થળ તળાવ જેવું રહ્યું જ નથી, ચારે તરફ ગંદકીના ગંજ ખડકાયા છે, મચ્છરોનો ભારે ઉપદ્રવ વધતાં ભયાનક રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે અને તળાવમાં ગંદી ગટરોના તેમજ નજીકના બસ સ્ટેન્ડના શૌચાલય-બાથરૂમના દૂષિત પાણી સીધા છોડવામાં આવી રહ્યા છે. આ તળાવનું પાણી પવિત્ર માનસરોવર સાથે જોડાયેલું હોવાથી ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે. અન્ય એક સ્થાનિક ગોવિંદભાઈએ પણ આક્રોશ ઠાલવતા કહ્યું કે અહીં કોઈ સફાઈ કામગીરી થતી નથી, અધિકારીઓ માત્ર મુલાકાત લઈને જતા રહે છે પરંતુ નક્કર કામગીરી શૂન્ય છે, જેથી યાત્રાળુઓ અને ગ્રામજનો માટે આ સ્થળને સુંદર પર્યટન અને દર્શન સ્થળ તરીકે વિકસાવવું અત્યંત જરૂરી બન્યું છે.

આ સમગ્ર ગંભીર મામલે બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખ હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે જો સમયસર તળાવના સુધારા અને વિકાસના આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધરાયા હોત તો આજે આ પવિત્ર સ્થળની આવી દુર્દશા ન થઈ હોત. આ તળાવ બહુચરાજી મંદિર ટ્રસ્ટ અને લોકલ વહીવટી તંત્ર બંનેના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતું હોવાથી, સંબંધિત ઉચ્ચ વહીવટી તંત્રને તાકીદે લેખિત-મૌખિક જાણ કરીને આ ઐતિહાસિક તળાવનું યોગ્ય બ્યુટીફિકેશન કરવા અને યાત્રાળુઓ સહિત સ્થાનિક નાગરિકોને સુવિધા મળે તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરવામાં આવી છે.

બીજી તરફ, સમગ્ર વિવાદ વચ્ચે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના નાયબ વહીવટદાર સુરેશ ઠાકોરે આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આગામી બીજા ફેઝના આયોજન હેઠળ મંદિરની આજુબાજુના ૫૦૦ મીટરના સમગ્ર પરિસરનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે, જેમાં બહારથી આવતા યાત્રિકો માટે આધુનિક યાત્રિક ભવન, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા તેમજ મંદિરની બાજુમાં આવેલા બાંધિયા તળાવનું બ્યુટીફિકેશન કરીને ત્યાં આકર્ષક વૉક-વે સહિતની અદ્યતન સુવિધાઓ ટૂંક સમયમાં ઉભી કરવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0