ગરવી તાકાત ઃ હિંમતનગર તા.20-8-2026
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ટાવર ચોક વિસ્તાર ખાતે દસ દિવસીય ભવ્ય રાખી મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. હિંમત હાઈસ્કૂલના કોટ પાસે સ્ટેશન રોડ પર આયોજિત આ મેળાનું ઉદ્ઘાટન હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા તથા નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયાના હસ્તે રીબીન કાપીને ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું.
હિંમતનગર નગરપાલિકાના DAY-NULM (દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન) વિભાગ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સખી મંડળ અને બચત મંડળ સાથે જોડાયેલી મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા અને રોજગારીનું સબળ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે આ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મેળા થકી સ્થાનિક બહેનો દ્વારા પોતાના હાથે ખૂબ જ જહેમત અને કલાત્મકતાથી તૈયાર કરવામાં આવેલી વિવિધ પ્રકારની રાખડીઓનું સીધું વેચાણ ગ્રાહકોને કરવામાં આવશે.
આ સમગ્ર મેળામાં કુલ 28 જેટલા સખી મંડળો માટે ટાવર ચોક અને સ્ટેશન રોડ પર સુવ્યવસ્થિત સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. દસ દિવસ સુધી ચાલનારા આ રાખી મેળામાં ભાગ લેનાર પ્રત્યેક સ્ટોલ દીઠ માત્ર 2500 રૂપિયા જેવું રાહત દરે ભાડું નક્કી કરવામાં આવ્યું છે, જેથી બહેનો કોઈપણ પ્રકારના મોટા આર્થિક બોજ વિના પોતાનો વેપાર સરળતાથી કરી શકે અને સારો નફો કમાઈ શકે.
ઉદ્ઘાટન પ્રસંગ દરમિયાન નગરપાલિકાના સદસ્યો તેમજ વિવિધ સંગઠનો સાથે સંકળાયેલી બહેનોએ ધારાસભ્ય વી.ડી. ઝાલાને સ્નેહપૂર્વક રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ ધારાસભ્ય સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવો અને પદાધિકારીઓએ એક પછી એક તમામ સ્ટોલની રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બહેનો દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક રાખડીઓની પ્રશંસા કરીને સૌ મહિલાઓને સફળ વેચાણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સ્થાનિક નગરજનો પણ આ મેળામાં મોટી સંખ્યામાં રાખડીઓની ખરીદી કરવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

