
ઇડર શહેર અને તાલુકામાં હોળીકા દહનની ભાવભેર ઉજવણી
અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે ઉજવાતા હોળીના પાવન પર્વની ઇડર શહેર સહિત તાલુકાના ગામોમાં સોમવારે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે ચંદ્રગ્રહણ તથા બપોર બાદ એકમની તિથિ શરૂ થવાને કારણે હોળી પ્રગટાવવાની વિધિ સોમવારે જ કરવામાં આવી હતી. મંગળવારનો દિવસ પડતર રહેશે, જ્યારે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી બુધવારે કરવામાં આવશે.
ઇડર શહેર અને આસપાસના ગામોમાં સાંજ પડતા હોલીકા દહનના કાર્યક્રમો ધાર્મિક શ્રદ્ધા અને પરંપરાગત રીતરિવાજો સાથે યોજાયા હતા. લોકોએ લાકડાં અને છાણા ગોઠવી હોલીકા દહન કર્યું હતું. અનેક સ્થળોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
તાલુકાના ગામોમાં પણ હોળીકા દહન માટે અગાઉથી જ તૈયારી કરવામાં આવી હતી. બડોલી ગામે સાંજે 7:45 કલાકે વિધિવત હોલીકા દહન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી હોળીની પ્રદક્ષિણા કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભાવ વચ્ચે ઉજવાયેલા આ પર્વે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો.


