ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેના જૂના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ સ્થાનિકોની વિવિધ રજૂઆતો સાંભળવાનો હતો. ગ્રામજનો દ્વારા લાંબા સમયથી સલાલ ગામથી બજાર, બસસ્ટેન્ડ અને બાળકોની શાળાએ જવા માટે રેલવે ક્રોસિંગમાંથી પસાર થવાની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ટ્રેનોની વધતી ઝડપ અને સતત અવરજવરને કારણે અકસ્માતનો ભય રહેતો હતો.
![]()
આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સલાલમાં ફૂટ-ઓવર બ્રિજ (FOB) બનાવવાની માંગણી કરવામાં આવી હતી. ગ્રામજનોની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને, સાંસદ અને રેલવે અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, સલાલ બજારથી ગટર લાઇનને રેલવે ક્રોસ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સલાલથી મોયદને જોડતો રસ્તો અને સલાલ રેલવે અંડરબ્રિજને મોટા બ્રિજમાં અપગ્રેડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આનાથી હાર્વેસ્ટર અને અન્ય મોટા વાહનો સરળતાથી પસાર થઈ શકશે.
![]()
વધુમાં, સલાલ ચોકડીનો રોડ અને ‘અંબાજી માતાજીનું નાળિયું’ તરફના જૂના ફાટકનો રોડ પણ પહોળો અને પાકો કરવામાં આવશે. રાવળવાસ અને પાછળના ફળિયા તરફ જતો રસ્તો રેલવે માર્ગ સાથે જોડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન સરપંચ રીટાબેન, ડેપ્યુટી સરપંચ લક્ષ્મણભાઈ, પંચાયત સભ્યો ચંદનસિંહ બારૈયા, મૂળજીભાઈ, જયંતીભાઈ રાવળ, હસમુખસિંહ પરમાર સહિત પૂર્વ સરપંચ મનુભાઈ સોલંકી, પૂર્વ તાલુકા સભ્ય લાલસિંહ ચૌહાણ, શૈલેષસિંહ બારૈયા, ધવલસિંહ બારૈયા, યોગેશભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

