કાનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે બનાસ બેંકની 66મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ…

October 1, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ બેંકની 66મી વાર્ષિક સાધારણ સભા કાનુભાઇ મહેતા હોલ, પાલનપુર ખાતે બનાસ બેંકના ચેરમેનશ્રી ડાહ્યાભાઇ પીલીયાતરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. ચેરમેનશ્રીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બેંકના સભાસદો ખેડૂતો અને સહકારી આગેવાનોનું બેંક વતી હાર્દિક સ્વાગત કર્યું હતું અને બેંકની નાણાકીય પરિસ્થિતિની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે બેંકની ડિપોઝીટનો 392 કરોડનો વધારો થતા 3704 કરોડ થઈ છે તેમજ  ધિરાણો 2761 કરોડ થયેલ છે તેમજ બેંકના ભંડોળો 513 કરોડ થયેલ છે. ગત વર્ષે બેંકની પ્રગતિમાં મોટો વધારો થયો તેમાં સહકાર મંત્રાલય દ્વારા “સહકાર વિકાસ યોજના”નો પાયલોટ પ્રોજેક્ટ આપણા  જિલ્લાને આપ્યો તેના કારણે શક્ય બન્યું છે. જે માટે આપણે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તથા કેન્દ્રના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબના આભારી છીએ. ભારતના સહકાર મંત્રાલય દ્વારા પ્રાથમિક કૃષિ ધિરાણ સેવા મંડળીઓનું સંપૂર્ણ કમ્પ્યુટરાઈઝેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ત્યારે સેવા સહકારી મંડળીઓને ખાતર અને ધિરાણની પ્રવૃત્તિઓથી આગળ વધીને વેરહાઉસિંગ, કોમન સર્વિસ સેન્ટર, સસ્તા અનાજની દુકાન, ડેરી, કૃષિ-પ્રોસેસિંગ, પેટ્રોલ પંપ, એલપીજી ડિસ્ટ્રિબ્યુશન જેવી નવી પ્રવૃતિઓ શરૂ કરી મંડળીઓને વધુ મજબૂત બનાવવાનું જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ સહકારથી ભેગા મળીને કામ કરવામાં આવે તો કામ ઝડપથી થાય છે તથા તેના અનેક ઘણા ફાયદા પણ થતા  હોય છે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત દેશમાં જે કામ થઈ રહ્યું છે તેમાં હાલની સ્થિતિએ બનાસ બેંક દેશમાં પ્રથમ ક્રમે છે. રાષ્ટ્રીયકૃત અને પ્રાઇવેટ બેંકમાં પશુપાલકોના ખાતા હોવાથી ટેક્સ ભરવો પડતો હતો પરંતુ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પશુપાલકોના ખાતા બનાસ બેંકમાં ખોલવામાં આવ્યા તે ટેક્સ રહીત હોવાથી બનાસ ડેરીને આઠ કરોડ રૂપિયા જેટલો ફાયદો થયો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત બેંકની થાપણોમાં અનેક ઘણો વધારો થયો છે જેના કારણે ખેડૂતોને બેંક સરળતાથી ધિરાણો ઉપલબ્ધ કરાવી શકશે. આપણો  જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે જિલ્લામાં 30 લાખ જેટલા પશુ રહેલા છે. મૃત્યુ પામતાં પશુઓનો નિકાલ કરવાનો પ્રશ્ન સમયની સાથે જટીલ બની રહ્યો છે ત્યારે તેનો યોગ્ય નિકાલ થાય તેમજ મૃત પશુમાંથી પણ કમાણી થાય તે માટે સહકારી ધોરણે જિલ્લામાં એક સંસ્થા બનાવી ચર્મ ઉદ્યોગમાં ઝંપલાવવા સહકારી આગેવાનોને જણાવ્યું હતું.  બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં બેંકમાંથી માત્ર કે.સી.સી. લોન જ મળતી હતી પરંતુ હાલના સમયમાં કે.સી.સી લોન, મધ્ય મુદત, એજ્યુકેશન, પશુપાલન વગેરે જેવી લોનો  સરળતાથી મળી રહી છે. સહકારથી સમૃદ્ધિ અંતર્ગત નેશનલાઈઝ અને પ્રાઇવેટ બેંકો માંથી પશુપાલકોના ખાતા બનાસ બેંકમાં ખોલાવવામાં આવ્યા છે જેના કારણે બેંકની ડિપોઝિટમાં વધારો થયો છે જેનો સીધો ફાયદો ખેડૂત મિત્રોને મળી રહ્યો છે.

આ પાયલોટ પ્રોજેક્ટમાં જિલ્લાની બધી સહકારી સંથાઓને જોડાવાની અપીલ કરી હતી. રાધનપુર તાલુકાના ધારાસભ્યશ્રી લવિંજી ઠાકોરે સહકાર વિકાસ યોજનાના પાયલોટ પ્રોજેક્ટ થકી ખેડૂતો અને પશુપાલકોને અનેક ફાયદાઓ થઈ રહ્યા છે. સહકારથી સમૃદ્ધિના નારાને સહકારી સંસ્થાઓએ અપનાવી તેનો લાભ લેવા માટે જણાવ્યુ હતું. વાવના ધારાસભ્યશ્રી સ્વરૂપજી ઠાકોરે સેવા મંડળીઓને  કમ્પ્યુટરાઈઝેશન તરફ આગળ વધી સહકાર મંત્રાલયના લાભો લઈ  સક્ષમ બનવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને બેંકના મેનેજિંગ ડિરેક્ટરશ્રી એમ.બી. પટેલ દ્વારા એજન્ડા ઉપરની કાર્યવાહી કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સભાસદોએ મંજૂરી આપી હતી.  આ પ્રસંગે બેંક દ્વારા ઉચ્ચ કામગીરી કરી વધુ નફો કરનારી મંડળીઓને અને 100% વસૂલાત કરનાર મંડળીઓને પ્રમાણપત્ર અને પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. બેંકના વાઇસ ચેરમેનશ્રી કેશુભા પરમારે આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે રાજ્યના પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી રેખાબેન ખાનેસા, ગોવાભાઈ દેસાઇ બેંકના પૂર્વ ચેરમેનશ્રી નથાભાઈ પટેલ, અણદાભાઈ પટેલ, સવસીભાઈ ચૌધરી, થરાદ એપીએમસીના ચેરમેનશ્રી અને બનાસબેંકના ડિરેક્ટરશ્રી શૈલેષભાઈ પટેલ, જીગરભાઈ દેસાઈ,  કે.પી. ચૌધરી, ઇશ્વરભાઇ પટેલ, જીતેન્દ્રસિંહ ડાભી,  દાંનાજી ચાવડા,  દોલતપુરી ગૌસ્વામી, સીતાબેન રાવલ, બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભાવાભાઈ રબારી,  ડિરેક્ટરશ્રી ભરતભાઈ પટેલ, દિનેશભાઈ ભટોળ, મૂળજીભાઈ ચૌધરી, રાઘાભાઈ આયર, રામજીભાઇ નાગોહ, સામંતભાઈ પટેલ, ધુડાભાઈ પટેલ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેનશ્રી બાબરાભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નૌકાબેન પ્રજાપતિ, મહિલાઅગ્રણી રેખાબેન ચૌધરી, બનાસ બેંકના પૂર્વ ડિરેક્ટરશ્રીઓ, જિલ્લાની એપીએમસીના ચેરમેનશ્રીઓ, તાલુકા સંઘના ચેરમેનશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખશ્રી/ મહામંત્રીશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં બેંકના સભાસદો અને ખેડૂતો હાજર રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0