-> ભરડવા ગામના લોકોએ સહાય અને ઘરોમાં ભરાયેલ પાણી માટે સુઈગામ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી :
ગરવી તાકાત બનાસકાંઠા : સુઈગામ તાલુકામાં સરકારી આંકડા મુજબ લગભગ 22 ઇંચ જેટલા ખાબકેલા વરસાદે તારાજી સર્જી છે,ખેતરો તળાવ બની ગયા છે,પૂરની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હોઈ લોકો પોતાનો જીવ બચાવી સલામત સ્થળે આશ્રય લેવા મજબૂર બન્યા હતા,જેમાં ખાસ કરીને સરહદી ભરડવા, સુઈગામ, કોરેટી, કાણોઠી, જલોયા, મમાણા,ઉચોસણ, જોરાવરગઢ, ગરામડી , સહિત લગભગ તાલુકાના તમામ ગામોમાં નીચાણ વાળા ઘરોમાં પાણી ભરવાના કારણે લોકોને સરકારી શાળાઓ, દવાખાના સહિત ના સ્થળે આશ્રય આપ્યો હતો, જોકે ધીરે ધીરે પૂરના પાણી ઓસરતા જન જીવન પૂર્વવત થઈ રહ્યું છે,પરંતુ હજુ પણ ભરડવા ગામમાં ઉપર તળેથી પાણીનો આવરો ચાલુ હોઈ 300 જેટલા ઘરોમાં પાણી છે, શાળાઓ શરૂ થતાં જ્યાં લોકો આશ્રય લેતા હતા તે લોકો હવે રોડ,રસ્તા કે ઊંચાણ વાળા ભાગોમાં કે અન્યના ઘરોમાં આશ્રય લઈ રહ્યા છે,

વરસાદના વિરામના 15 દિવસ બાદ પણ વહીવટીતંત્ર દ્વારા પૂર પીડિત લોકોને કેસડોલ્સ, ઘર વખરી કે પાક નિષ્ફળ સહિતની કોઈ સહાય ચૂકવવામાં આવી નથી, વળી તંત્ર દ્વારા આવા પૂર પીડિતોની કોઈ દરકાર પણ લેવામાં આવતી નથી, જેને લઈ ભરડવા ગામના લોકો મંગળવારે સુઈગામ પ્રાંત કલેક્ટરને રૂબરૂ મળ્યા હતા,અને આવેદનપત્ર આપી તેમની મુશ્કેલીઓ ની રજૂઆતો કરી હતી, જેમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમો અત્યારે ઘરોમાં પાણી ભરાયેલ હોવાના કારણે અન્ય જગ્યાએ આશરો લઈ રહ્યા છીએ, ચારે બાજુ ભરાયેલ વરસાદી પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે,અમારા બાળબચ્ચાં માંદગીમાં સપડાઈ રહ્યા છે, છતાં ઘરે અમારે દોજખ ભરી જિંદગી જીવવી પડી રહી છે,

અમને કોઇપણ પ્રકારની સરકારી સહાય મળી નથી,તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી, અમે હવે ત્રાસી ગયા છીએ, તંત્ર અમારા ઘરોમાં ભરાયેલ પાણીનો નિકાલ કરી આપે નહિતર અમોને રહેવાની વ્યવસ્થા કરી આપે, નહિતર અમારે અમારા બાળબચ્ચાં સાથે તાલુકા કચેરીએ પડાવ નાખવો પડશે.. જે રજૂઆતો બાબતે સુઈગામ પ્રાંત કલેક્ટર ડો.અરવિંદકુમાર પ્રજાપતિ દ્વારા તાત્કાલિક કેસડોલ્સ સહિતની સહાય ચૂકવાય તે માટે વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી, બાદ ગ્રામજનોએ સુઈગામ તાલુકા વિકાસ અધિકારી વંદનાબેન દેસાઈને પણ રૂબરૂ મળી તેમની આપવીતી ગાઈ પણ ટીડીઓ મેડમે પૂર પીડિતોની કોઈ વાત સાંભળી ન હતી, જેને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.


