-> ગૌશાળાઓમાં જે પશુઓ મૃત્યુ પામ્યા છે,એમનું સર્વે કરવા અને પશુમૃત્યુ સહાય આપવા પણ રજૂઆત કરી :
ગરવી તાકાત બનાસકાંઠા : ગત તા, 6,7 અને 8 ત્રણ દિવસ સતત વરસેલા અતિભારે વરસાદથી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, વાવ,ભાભર અને થરાદ તાલુકાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, અતિભારે વરસાદના કારણે મોટાભાગના ગામોમાં લોકોના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં લોકો જીવ બચાવી સલામત જગ્યાએ ખસી ગયા હતા, જેમાં પૂરની ગંભીરતા જોતા સરકારશ્રી દ્વારા પણ NDRF,SDRF અને વધારાના પોલીસ સ્ટાફની તાત્કાલિક નિમણૂક કરી પૂરપીડિતોની બચાવ કામગીરી હાથ ધરી હતી,વહીવટી તંત્ર દ્વારા પુર પીડિતોને સલામત ખસેડવામાં આવ્યા હતા, ખાસ કરીને સુઈગામ તાલુકામાં લગભગ 22 ઇંચ વરસાદથી સૌથી વધુ તારાજી સર્જાઈ છે,વરસાદ બંધ રહ્યાના 15 દિવસ બાદ પણ પરિસ્થિતિ હજુ થળે પડી નથી, લોકોના હજારો પાલતુ પશુઓ મૃત્યુ પામ્યા છે,જ્યારે તાલુકામાં આવેલ ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં પણ મોટી સંખ્યામાં પશુઓ મરણ ગયા છે, ઘાસચારો પલળી ગયો છે, આ અને ગૌશાળાના સેડ સહિતને પણ મોટું નુકશાન થયું છે,
જેનું કોઈ સર્વે કરવામાં આવ્યું ન હોઈ તાલુકાની રેઢી રખડતી ગાયો,નંદી તેમજ લુલા,માંદા પશુઓની સંભાળ રાખતી ગૌશાળાઓ, પાંજરાપોળો ના સંચાલકો દ્વારા સુઈગામ પ્રાંત કલેક્ટરને વિવિધ માંગણીઓ સાથેની રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું,સુઈગામતાલુકાની સુઈગામ, નડાબેટ,મોરવાડા,જેલાણા, ભરડવા, ભટાસણા, સોનેથ,બેણપ, સહિત દશ ગૌશાળાઓ, પાંજરાપોળના સંચાલકો દ્વારા સુઈગામ પ્રાંત કલેકટરને લેખિત રજૂઆત કરી ગૌશાળાઓમાં નિભાવ થતાં પશુઓ માટે ઘાસચારો ફાળવવામાં આવે, જે ગૌશાળાઓમાં વાવાઝોડા વરસાદથી નુકશાન થયેલ છે,તેનું સર્વે કરવામાં આવે,તેમજ ગૌશાળા, પાંજરાપોળના જે પશુઓ પૂરમાં મૃત્યુ પામ્યા છે, તેમનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ અંગે મોરવાડા ગૌશાળાના સંચાલક કિશોરભાઈ વ્યાસે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિના કારણે ગૌશાળાના પશુઓની દયનીય હાલત છે,અમારી પાસે ઘાસ નથી,અને હાલના સમયમાં વધુ વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલ હોવાના કારણે ખેતીપાકો, સાથે ઘાસચારો પણ નાશ પામ્યા છે,
જેને લઇ ઘાસચારાની તંગી વર્તાઈ રહી હોઇ ગૌશાળાના પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ છે,અમને સરકારે કંઇ આપ્યું નથી,કેટલીયે ગૌશાળાની ગાયો મરી ગઈ છે,એ મૃત ગાયો નું પણ સર્વે કરવામાં આવ્યું નથી,અમારી પાસે જે ઘાસ હતા તે પલળી ગયા છે, અમારી આ પરિસ્થિતિમાં સરકાર જાગે, સરકારના હદયમાં જો દયા હોય તો ગૌશાળાઓ અને પાંજરાપોળોને તાત્કાલિક પશુઓ માટે ઘાસચારો ફાળવવામાં આવે, સરકારે જે દર પશુ દીઠ ચાર કિલો ઘાસચારો દસ દિવસ માટે આપવાની વાત કરી હતી,તે પણ કોઈ ગૌશાળાઓ આપવામાં આવ્યો નથી, ગાયો પ્રત્યે સંવેદના રાખી તાત્કાલિક સહાય કરે એવી માંગણી છે,જ્યારે ભરડવા ગૌશાળાના સંચાલક કરમણભાઈ પટેલે જણાવ્યું કે પૂરથી ગામડાઓની પરિસ્થિતિ ખરાબ છે,ગૌશાળાઓ અને પાંજરાપોળો ની ખરાબ પરિસ્થિતિનું સરકાર તાત્કાલિક નિવારણ કરે, ઘાસચારાના અભાવે ગાયો ભૂખે મરે છે, સુઈગામ તાલુકાની 10 ગૌશાળાઓ અને પાંજરાપોળમાં ઘાસચારાનો અભાવ હોઈ તાત્કાલિક સરકાર ઘાસની વ્યવસ્થા કરી આપે,અને વાવાઝોડામાં અને વરસાદમાં જે નુકશાન થયું છે,તેમજ જે પશુઓ મૃત્યુ પામ્યાં છે,તેનું સર્વે કરી તત્કાલિક વળતર ચૂકવવામાં આવે તે માટેની માંગ સાથે સુઈગામ પ્રાંત કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.