ગરવી તાકાત ગાંધીનગર : ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ એસ્કોર્ટ વિના જેલમાંથી ત્રણ દિવસની મુક્તિ આપીને કામચલાઉ રાહત આપી હતી. હત્યાના પ્રયાસના આરોપસર જુલાઈથી જેલમાં રહેલા વસાવાને અગાઉ રાજપીપળા ટ્રાયલ કોર્ટે 8 થી 10 સપ્ટેમ્બર સુધી રાજ્ય વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન આપ્યા હતા. જો કે, તે આદેશ મુજબ તેમને પોલીસ એસ્કોર્ટનો ખર્ચ ઉઠાવવો જરૂરી હતો.

વસાવાએ હાઈકોર્ટમાં આ શરતને પડકારતા તેમના વકીલ ઝુબિન ભરડા દ્વારા દલીલ કરી હતી કે એસ્કોર્ટ ચાર્જ વધુ પડતા અને પોસાય તેમ નથી. તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ ગાંધીનગરમાં રહેશે, નર્મદા જિલ્લાની મુલાકાત લેવાનું ટાળશે, મીડિયાને સંબોધવાનું ટાળશે અને મેળાવડા યોજશે નહીં. ફરિયાદ પક્ષના વિરોધ છતાં, જેમાં તેમના ભૂતકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અને સંભવિત અનિચ્છનીય ઘટનાઓની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, ન્યાયાધીશ એમ.આર. મેંગડેએ વસાવાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો, અને નોંધ્યું હતું કે વર્તમાન ધારાસભ્ય તરીકે તેઓ વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે બંધાયેલા છે. તે મુજબ, કોર્ટે પોલીસ એસ્કોર્ટ વિના તેમની મુક્તિને મંજૂરી આપી હતી.


