-> જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા થયેલ નાવીન્ય કામગીરીને સંકલનની બેઠકમાં રજૂ કરવા અનુરોધ કરતા જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી ,જેમાં જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોના પ્રશ્નોનું માનવીય અભિગમથી ત્વરિત ધોરણે હકારત્મક નિકાલ લાવવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નાગરિકો અને પદાધિકારીઓ સાથે વિવેકપૂર્ણ સકારાત્મક અભિગમ સાથે વાત કરવાથી સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે છે.

જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાની વિવધ કચેરીઓ દ્વારા નાવીન્ય કામગીરીનું પ્રેઝન્ટેશન કે અન્ય સ્વરૂપે સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરવા અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. નવીન્ય કામગીરીના પ્રેઝન્ટેશન ના કારણે જિલ્લામાં થતી કામગીરીથી અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ વાકેફ થઇ શકે. સંકલન સમિતિની બેઠકમાં પદાધિકારીશ્રીઓ દ્વારા વિવિધ પ્રશ્નોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ધારાસભ્ય સર્વેશ્રી મુકેશભાઇ પટેલ, શ્રી કે.કે.પટેલ,શ્રી સુખાજી ઠાકોર, શ્રી સી.જે.ચાવડા, શ્રી રાજેન્દ્ર ચાવડા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટરશ્રી જશવંત કે.જેગોડા સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


