ગાંધીનગર : દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રે વીજળી ડુલ થઇ જતા ગ્રામજનો વીજ તંત્ર સામે રોષે ભરાયા જેથી શનિવારે રાત્રે રખિયાલના 200 થી વધુ ગ્રામજનો વીજ કચેરીએ પહોંચ્યા પરંતુ જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાથી ગ્રામજનો વધુ રોષે ભરાયા અને હાજર કર્મચારીઓને ધારદાર રજૂઆત કરી. દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાઈ જતા ગ્રામજનો અકળાઈ ઊઠ્યા છેવટે કંટાળીને રખિયાલના 200 થી વધુ ગ્રામજનો શનિવારે રાત્રે વીજ કચેરી બાનમાં લઇને વીજ કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો. હાલમાં ચોમાસા એ દસ્તક દીધી છે. તેવા સમયમાં રખિયાલ ગામમાં લાઇટો જતી રહેતી હોવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. ઘણાં સમયથી વીજળી ડુલ થઇ જતા અસહ્ય ગરમી અને બફારાને કારણે બાળકો,વૃદ્ધો,ગર્ભવતી મહિલાઓ અને બિમાર વ્યક્તિઓની હાલત કફોડી બની છે.

રખિયાલ ઉપરાંત નજીકના સામેત્રી,મહેકાલ,ઠારુની મુવાડી,ભાદરોડા સહિતના કેટલાક ગામોમાં સામાન્ય વરસાદ કે પવનના કારણે વીજળી પુરવઠો બંધ થઇ જતા ગામમા અંધારપટ છવાઇ જાય છે. ગ્રામજનો દ્વારા વિવિધ કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવે ત્યારે ટેકનિકલ ફોલ્ટનું કારણ સામે ધરીને સમી સાંજથી રાત્રે બે થી અઢી વાગ્યા સુધી લાઇટો બંધ કરી દેતા લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો.વીજ ધાંધિયાથી કંટાળીને રોષે ભરાયેલા 200થી વધુ લોકોએ રખિયાલ ખાતે આવેલી નાયબ ઇજનેરની કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોની સાથે રખિયાલના અગ્રણી અને સરપંચ પતિ નાથુસિંહ,ડેપ્યુટી સરપંચ રમેશભાઇ પટેલ,જિલ્લા પંચાયતના સદસ્ય ભરતસિંહ ઝાલા સહિતના ગામના આગેવાનો તેમજ યુવાનોએ વીજ કચેરી ખાતે દોડી જઈ કચેરીમાં હાજર જવાબદારોને ધારદાર રજૂઆતો કરી હતી.

રખિયાલમાં અવાર નવાર વીજ પુરવઠો ખોરવાતા જતા ગ્રામજનોએ રખિયાલ સ્ટેશનના વીજ જોડાણ સાથે રખિયાલ ગામનું વીજ જોડાણ કરવાની માંગ કરી રખિયાલના કેટલાક જાણકાર અગ્રણીઓના જણાવ્યા અનુસાર માત્ર 20 ફુટના કેબલથી રખિયાલ ગામનું જોડાણ રખિયાલ સ્ટેશનની વીજલાઇન સાથે કરી દેવામાં આવે તો વીજ સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે એમ છે.પરંતુ આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં વીજતંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી. ગ્રામજનોની રજૂઆત સમયે વીજ અધિકારીઓ પણ એક બીજા પર ખો આપતા હોવાથી ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.જો આવનારા દિવસોમાં રખિયાલ ગ્રામજનોને વીજ પુરવઠાની સમસ્યાનું નિવારણ નહીં આવે તો સરપંચ સહિતના લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.


