સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના તલોદમાં હિન્દુ એકતા સમિતિએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું. મંગળવારે માર્કેટયાર્ડથી શરૂ થયેલી આ યાત્રામાં નિવૃત્ત સૈનિકો, હોમગાર્ડ અને વિવિધ સંગઠનોના સભ્યો જોડાયા.

યાત્રાની શરૂઆત માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. દેશભક્તિના ગીતોના તાલે યાત્રા નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ અંબાજી માતાજીના મંદિર ચોક સુધી પહોંચી. અહીં મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને માતાજીને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય, માર્કેટયાર્ડના ચેરમેન, ભાજપના તાલુકા અને શહેર સંગઠનના પદાધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ સદસ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓની શ્રृંખલામાં તલોદના નાગરિકોએ પણ દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.



