માણસા : માણસા શહેરમાં નવનિર્મિત આઈકોનિક રોડના કામમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ હોવાનો મુદ્દો ઉઠ્યો. માણસા શહેર કોંગ્રેસે આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું.કોંગ્રેસના આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આઈકોનિક રોડની કામગીરીમાં ગેરકાયદેસર દબાણ-બાંધકામ દૂર કરવા માટે અપાયેલી નોટિસમાં ક્ષેત્રફળનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
નગરપાલિકા નિયમિત કરવેરા વસૂલતી હોવા છતાં નાના વેપારીઓને દબાણ હટાવવાની નોટિસ અપાઈ છે.રાજકીય વગ ધરાવતા મોટા કોમ્પલેક્ષમાં થયેલા અનધિકૃત બાંધકામ અને દબાણને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. ચંદ્રાસર તળાવની જે દિવાલ ધ્વસ્ત થઈ ગઈ હતી, તે જ ઠેકેદારને આ કામ સોંપવામાં આવ્યું છે.
સ્થાનિક રહીશોમાં ચિંતા છે કે આ રોડના કારણે માર્ગ સાંકડો થઈ જશે અને ટ્રાફિકની સમસ્યા વધશે. કોંગ્રેસે માંગ કરી છે કે આ કામગીરી તાત્કાલિક અટકાવવામાં આવે અને સરકારી નાણાંનો દુરુપયોગ રોકવામાં આવે.