રાજકોટ: શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના નેજા હેઠળ તેમજ ચેરમેન શ્રી નરેશભાઈ પટેલનાં માર્ગદર્શન અને પીઆઈ પાદરીયા સાહેબની રાહબરી હેઠળ શ્રી ખોડલધામ યુવા સમિતિ-રાજકોટ દ્વારા માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ પ્રેરણાદાયક કામગીરી હાથ ધરવામાં આવી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ પરિવારોને સહાયતા કરવા માટે 18 ડિસેમ્બરના રોજ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી ખોડલધામ યુવા સમિતિ(KDYS)ના સભ્યોએ રાજકોટના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને ધાબળા વિતરણ કર્યાં હતા. આ કાર્યથી ઘણા ગરીબ પરિવારોને ઠંડીથી બચવા માટે આશરો મળી રહ્યો છે. આ પ્રવૃતિએ સમાજમાં માનવતાના મૂલ્યો જાળવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શ્રી ખોડલધામ યુવા સમિતિના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “ગરીબોને સહાયતા આપીને તેમને ગરમી પહોંચાડવી એ અમારી પ્રાથમિકતા છે. આ કાર્યમાં લોકોના સહકારથી વધુ જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવાનું લક્ષ્ય છે.”આ પ્રસંગે રાજકોટવાસીઓએ પણ આ કાર્યને બિરદાવ્યું અને સમિતિના આ કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓથી સમાજમાં સહાનુભૂતિ અને એકતાનો સંદેશ ફેલાય છે.
શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા એવા અનેક પ્રોજેક્ટો યોજવામાં આવે છે જે સમાજના ઉત્થાનમાં યોગદાન આપે છે અને આ પ્રકારના કાર્યોથી સમાજને નવી પ્રેરણા મળે છે.આ કાર્યક્રમ દરમ્યાન રાજકોટ શહેરનાં કુલ-4 ઝોનમાં યુવા સમિતિની સંગઠનની ટીમો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈસ્તઝોન,વેસ્ટઝોન,નોર્થ ઝોન અને સાઉથ ઝોનનાં અલગ-અલગ વિસ્તારોમાં સમિતિનાં યુવા કાર્યકરો દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત આગામી દિવસોમાં શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા આ પ્રકારની સેવાકીય કાર્યોની હારમાળા સમગ્ર ગુજરાતમાં શરુ કરવામાં આવશે તેવું સમિતિનાં પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.