ગરવી તાકાત, ગાંધીનગર તા. 25 – ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાની ગુજરાત પર અસર થઈ રહી છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં હાલ ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. રવિવારે ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. તો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું જોર કેટલું વધી શકે છે.

હવામાન વિભાગે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતનાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. રવિવારના તાપમાનની વાત કરીએ તો, રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન 20 ડિગ્રીની આસપાસ નોંધાયા હતા. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી વધીને 16 ડિગ્રી પર પહોંચ્યું હતું. મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા જેના કારણે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. તો બીજી બાજુ મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, રવિવારે કંડલા એરપોર્ટ પર 13.2, વડોદરા અને ડીસામાં 14 ડિગ્રીની આસપાસ, નલિયામાં 15.2, અમદાવાદમાં 16 અને ભુજમાં 16.7, દમણમાં 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રવિવારે સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહ્યું હતું. હવામાન નિષ્ણાતોની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે, ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જોકે, તે નબળું છે છતાં ત્યાં બરફવર્ષા ચાલુ થઈ છે. જેથી આવનારા બે-ત્રણ દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે. દિવસે થોડીક ગરમી જોવા મળશે પરંતુ સોમવારથી તે પણ ઘટી શકે છે. સોમવારથી તાપમાન ઘટવાનું છે. એકથી બે ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા છે. પવનની દિશા અને બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થવાનો છે.
ગુજરાતીઓનાં મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં પણ સતત વધઘટ થઈ રહી છે. માઉન્ટ આબુમાં ચાર ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે દક્ષિણ પ્રદેશના અચલગઢ, કુમ્હારવાડા ગુરુ શિખરે તાપમાનનો પારો ઝીરો ડિગ્રી નોંધાયો હતો. રવિવારે 20 હજાર જેટલા પ્રવાસીઓ આબુમાં નોંધાયા હતા.


