ગ્રામજનોના હાકલા પડકારા છતાં સિંહે બાળાને છોડી નહી : વન વિભાગને જાણ થતા સિંહને ઇન્જેકશન ગનથી બેભાન બનાવી પાંજરે પૂર્યો
ગરવી તાકાત, અમરેલી, તા. 4 – અમરેલી જિલ્લામાં છાશવારે વન્ય પ્રાણીઓ દ્વારા માનવ વસ્તીમાં આવી અને માનવ જીંદગી અને તેમાં પણ ખાસ બાળકો તથા દુધાળા પશુઓ ઉપર હુમલાઓ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગઈકાલે વધુ એક બનાવ સાવરકુંડલા નજીક આવેલ આદસંગ ગામની સીમમાં એક શ્રમિક પરિવારની 8 વર્ષની બાળા ઉપર સિંહે હુમલો કરી ફાડી ખાધાની ઘટના બનતા સ્થાનિક ધારાસભ્ય સહિતનાં લોકો તથા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી જઈ માનવભક્ષી સિંહને પીંજરે પુરવા માટે થઈને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગત અનુસાર મુળ મહુવા તાલુકાનાં બિલડી ગામનાં વતની અને હાલમાં સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે રહેતા સવજીભાઈ નાથાભાઈ રામની વાડીમાં કામ કરતાં શ્રમિક પરિવારની આઠવર્ષની બાળા કુંજલબેન વિપુલભાઈ ગુજરીયા ખેતરમાં રમતી હતી ત્યારે અચાનક બાળકી ઉપર સિંહે હુમલો કરી દઈ મોત નિપજાવ્યું હતું. સિંહનાં હુમલા બાદ આજુબાજુમાં કામ કરતા શ્રમિકો એકઠા થઈ ગયા હતા અને હાંકલા-પડકારા કરવા છતાં સિંહ બાળાનાં મૃતદેહની આજુબાજુમાં આંટાફેરા મારતો હોય. આ બાળાનો પરિવાર તથા ખેડૂતો, શ્રમિકોમાં ભારે ભય ફેલાયો હતો. આ અંગે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને જાણ કરવામાં આવી હતી.
આ અંગે ધારાસભ્યએ વન વિભાગને તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જવા આદેશ આપતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતો અને આ માનવભક્ષી સિંહને પીંજરે પુરવા કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગ ઘટના સ્થળની આજુબાજુમાં પીંજરા ગોઠવી સિંહની શોધખોળ આદરી હતી અને ઢળતી સંઘ્યાએ વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી અને માનવભક્ષી બનેલા ડાલામથ્થા સિંહને ટ્રાંગ્યુલાઈઝ કરી બેભાન કરી સિંહને પીંજરે પુરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દીપડો બિલ્લીપગે આવી અને બાળકો તથા દુધાળા પશુઓ ઉપર હુમલાઓ કરતાં હોય છે. જયારે સિંહ આવા પ્રકારનાં હુમલા કરવા પાછળ ખાસ કોઈ કારણ હોય શકે અથવા તો સિંહને કોઈએ છંછેડેલ હોય અથવા સિંહની માનસિક હાલત બરાબર ન હોય ત્યારે જ સિંહ આવી રીતે હુમલો કરતોહોય છે. ત્યારે સિંહ પીંજરે પુરાયો છે ત્યારે વિશેષ તપાસ વન વિભાગ દ્વારા કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.