પાંચ મહિના અગાઉ વિસનગરના ગાયત્રી મંદિર રોડ પરથી મોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત
વિસનગર પાલડી ત્રણ રસ્તા પાસેથી એલસીબીએ વોચ ગોઠવી બાઇક ચોર ઇમસને દબોચી લીધો
Sohan Thakor – મહેસાણા તા. 29- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસનગર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વિસનગર પાલડી ત્રણ રસ્તા પાસેથી પસાર થતાં નંબર પ્લેટ વિનાના મોટર સાયકલ ચાલક ઇસને ઝડપી પુછપરછ કરતાં બાઇક ચાલકે બીજા બાઇકની ચાવી લગાવી મોટર સાયકલની વિસનગર ગાયત્રી મંદિર રોડ પરથી ચોરી કર્યાની કબુલાત કરતાં એલસીબીએ પકડી બાઇક ચોર ઇસમને જેલમાં ધકેલી અન્ય વાહનચોરીમાં સંડોવાયેલો છે કે કેેમ તે બાબતની તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જિલ્લામાં અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ આર.જે ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબીના પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ કાનજીભાઇ, પોકો. રવિકુમાર, કલ્પેશકુમાર સહિત સ્ટાફના માણસો ખાનગી વાહનોમાં વિસનગર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વિસનગર પાલડી ત્રણ રસ્તા પાસે આવતાં એલસીબીના રવિકુમાર તથા કલ્પેશકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, વિસનગર પાલડી સર્કલ ખાતે એક બાઇક ચાલક ઇસમ નંબર પ્લેટ વગરનું બાઇક લઇ વિસનગર પાલડી સર્કલ તરફ આવી રહ્યો છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે પાલડી સર્કલ ખાતે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન ઉપરોક્ત નંબર પ્લેટ વિનાનો બાઇક ચાલક આવતાં તેને અટકાવી નામ ઠામ પુછતાં મોટર સાયકલ ચાલકે ઠાકોરે રતનજી અમાજી રહે. ડભોડા તા. ખેરાલુવાળો હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોટર સાયકલના કાગળો બાબતે પુછપરછ કરતાં બાઇક ચાલક તત..મમ… કરવા લાગ્યો હતો. જ્યારે વધુ પુછપરછ દરમિયાન બાઇક ચાલકે કહ્યું હતું કે આ મોટર સાયકલ આજથી પાંચેક માસ અગાઉ વિસનગર ગાયત્રી મંદિર રોડ પાસે પડેલા મોટર સાયકલમાં બીજા બાઇકની ચાવી લગાવી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ બાબતે એલસીબી એપમાં તપાસ કરતાં આ બાઇક ચોરની ફરિયાદ વિસનગર શહેર પોલીસ મથકે નોંધાઇ હતી. એલસીબીએ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


