ગરવી તાકાત, ગાંધીનગર તા. 27- રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે રાજ્યમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરીને 24 કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે નવસારી, તાપી માટે કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.
સૌરાષ્ટ્ર-કચ્છના 24 કલાકમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. શુક્રવાર માટે માત્ર દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક ઠેકાણે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

28મી જુલાઈએ વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થઈ શકે છે. સુરત અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય રાજ્યના અન્ય કોઈ ભાગ માટે ભારે વરસાદની ચેતવણી અપાઈ નથી.


