ગરવી તાકાત, ધોરાજી તા. 18- હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજકોટના ધોરાજીમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. અહીં માત્ર બે કલાકમાં જ અંદાજે 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. માત્ર બે કલાકમાં જ અંદાજે 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા ધોરાજીના ચકલા ચોક, ત્રણ દરવાજા જેવા વિવિધ વિસ્તારોમાં પાણી ચારે તરફ ફરી વળ્યા છે. સાંબેલાધાર વરસાદ બાદ ધોરાજીના શહેર બેટમાં ફેરવાઇ ગયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બારે મેઘ ખાંગા થયા હોય એવા દ્રશ્યો સર્જાયા છે. ધોરાજીમાં સાડા દસ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. ધોરાજીના બહારપુરા ખ્વાજા સાહેબ દરગાહ પાસે કેટલીય કાર પાણીમાં ગરકાવ થઈ છે. ધોરાજી કુંભારવાડા વિસ્તાર રામપરા વિસ્તાર બહારપુરા વિસ્તારો બેટમાં ફેરવાયો છે.

અહીં વરસાદ એટલી હદે ખાબક્યો કે ધોરાજીના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે મસમોટા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં મોટા વાહનો પાણીના હવાલે થઈ ગયા છે. ધોરાજીમાં એટલો ધોધમાર વરસાદ વરસ્યો કે રસ્તા હોય કે ખેતરો ચોતરફ પાણીનું સામ્રાજ્ય છવાયેલું હતું.
તમને જણાવી દઇએ કે, છેલ્લા 12 કલાકમાં રાજ્યના 124 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યાં જ ધોરાજીમાં 9.5 અને સુત્રાપાડામાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે. 7 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ, 30 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, ધોરાજીમાં 6 કલાકમાં 9.5 ઇંચ વરસાદ, સુત્રાપાડામાં 9 ઇંચ, કોડિનાર 6.5 ઇંચ વરસાદ, વેરાવળ 4.5, સુરત શહેરમાં 4 ઇંચ વરસાદ, તાલાળા, મેંદરડામાં 4 ઇંચ વરસાદ, ઉપલેટા, માળિયાહાટિના, કેશોદમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત બે કલાકથી વરસાદ વરસી રહ્યો છે.

ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ સ્ટેશન, રોડ મેઈન બજાર શાકમાર્કેટ રોડના રસ્તાઓ પાણીથી ભરાઇ ગયા છે. ભારે વરસાદને લઈ વાહનો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અહીં રોડ પર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. બીજી તરફ જસદણના કડુકા ગામે વીજળી પડતા 25 વર્ષ પાયલ સંજયભાઈ બેરાણી નામની મહિલાનું મોત નીપજ્યું છે. આ મહિલા ખેતરમાં કામ કરતી હતી તે દરમિયાન વીજળી પડતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી અનુસાર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં પણ આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી છે તો દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ જુનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથમાં પણ વરસાદની આાગાહી છે. તો 19 તારીખે નવસારી, દમણ, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.


