ગીરના નેહળામાં બે ભેંસો જંગલના રાજા પર તૂટી પડતાં 15 વર્ષીય કિશોરનો જીવ બચી ગયો
ગરવી તાકાત, તા. 10- આજ સુધી તમે એવું જ સાંભળ્યું હશે કે કુતરા સૌથી વફાદાર પ્રાણી હોય છે તેના માલિકનો જીવ બચાવવા માટે કુતરા કઈ પણ કરી શકે છે પરંતુ આ ઘટનામાં ભેંસોએ વફાદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજ સુધી વફાદાર પ્રાણીઓની લિસ્ટમાં તમે ભેંસનું નામ નહીં સાંભળ્યું હોય પરંતુ ગીરની આ ઘટનાએ ભેંસને પણ વફાદાર સાબિત કરી છે. આ ઘટનામાં પોતાના 15 વર્ષના માલિક ઉપર જ્યારે સિંહે હુમલો કર્યો ત્યારે ભેંસ જંગલના રાજા પર તૂટી પડી.
આ અંગે મળતી જાણકારી અનુસાર 15 વર્ષીય વિક્રમ ચાવડા ગીરના જંગલમાં આવેલી નેહળામાં રહે છે. શુક્રવારે તે વિસાવદર વન રેન્જમાં પોતાની ભેંસોને તળાવ તરફ લઈ જઈ રહ્યો હતો. 15 વર્ષીય વિક્રમ સાથે અન્ય બે યુવકો પણ હતા. વિક્રમે પોતાના ખભા ઉપર એક નવજાત વાછરડું પણ રાખેલું હતું. જોકે પોતાના પ્રાણીઓને ચરાવવા નીકળેલો વિક્રમે એ વાતથી અજાણ હતો કે જંગલના આ વિસ્તારમાં સિંહ અને સિંહણનું મેટીંગ ચાલી રહ્યું છે. 15 વર્ષીય કિશોર અને પ્રાણીઓના આવવાથી મેટિંગની પ્રક્રિયામાં ખલેલ પહોંચી અને સિંહ આક્રમક થઈ ગયો અને તેણે વિક્રમ ચાવડા ઉપર હુમલો કરી દીધો.
સિંહના અચાનક હુમલાથી વિક્રમ ગભરાઈ ગયો. હુમલાથી તે ઘાયલ પણ થયો હતો. જોકે સિંહનો હુમલો જોઈને ઝુંડમાં રહેલી બે ભેંસો પોતાના માલિકને બચાવવા માટે સિંહ સાથે બાખડી પડી. સિંહના હુમલા થી 15 વર્ષીય યુવક ઘાયલ થઈ ગયો તેની સાથે રહેલા યુવકોએ પણ બૂમ બરાળા કરીને અન્ય લોકોને મદદ માટે બોલાવી લીધા. આ ઘટનાને લઈને ડીએસએફ પ્રશાંત તોમરનું કહેવું છે કે જો ભેંસો ન હોત તો સિંહના હુમલાથી યુવકનું બચવું મુશ્કેલ હતું. જો ભેસો સિંહ સાથે ફાઈટમાં ઉતરી ન હોત તો કદાચ યુવકનો જીવ પણ જતો રહ્યો હોત. સિંહના અચાનક હુમલાથી યુવકને આઠ ટાંકા લેવા પડ્યા છે. પરંતુ ભેંસોના કારણે તેનો જીવ બચી ગયો.