રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં 25 હજાર જેટલા જ્ઞાન સહાયકોની ભરતી કરશે અને 5 હજાર જેટલા ખેલ સહાયકોની ભરતી કરશે
ગરવી તાકાત, મહેસાણા તા. 06- સમાચાર એ છે કે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર 30 હજાર જેટલા શિક્ષકોની ભરતી કરશે. જી હા… શિક્ષકોની ભરતીના EXCLUSIVE સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં 25 હજાર જેટલા જ્ઞાન સહાયકોની ભરતી કરશે અને 5 હજાર જેટલા ખેલ સહાયકોની ભરતી કરવા જઈ રહી છે. શિક્ષા કૉન્કલેવમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે આ એક્સક્લુઝીવ જાણકારી આપી છે.

તો શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આ મોટા સમાચાર છે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર જ્ઞાન સહાયક, ખેલ સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી કરવા જઈ રહી છે. શિક્ષણમંત્રીએ મિડીયાને આ બાબતની જાણકારી આપી છે.
નોંધનીય બાબત છે કે છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. જે બાબતના અહેવાલ અનેકવાર મિડીયામાં પ્રસારિત થતાં આ બાબતની ગંભીર નોંધ લઇને શિક્ષણમંત્રીએ 30 હજાર શિક્ષકો ભરતી કરવામાં આવશે તેવી માહિતી આપી છે. ત્યારે શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે આનંદની વાત છે કે નવા 30 હજાર શિક્ષકોની ભરતીથી 30 હજાર બેરોજગારોને રોજગારી મળશે.


