ગરવી તાકાત, મહેસાણા તા. 28- ડીસા ખાતે માનવસેવાના કાર્યને મહેકાવતી અનેક સંસ્થાઓ તેમજ સંગઠનો કાર્યરત છે. જે અલગ અલગ સેવાકીય કાર્યક્રમ કરી રહ્યા છે. અબોલ સેવા ગ્રુપ જે પૈકીનું એક સંગઠન છે. ડીસાના રાજપુર વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી અબોલ સેવા ગ્રુપ પશુ પક્ષીઓની સેવા કરી રહ્યું છે. તેમના આ સરાહનીય કાર્યને લઈને ડીસાના લોકો તેમને બિરદાવી રહ્યા છે.
આ સંસ્થા લોક સહયોગ દ્વારા છેલ્લા 12 વર્ષથી ડીસાના રાજપુર વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓની સેવા કરે છે. આ કાર્ય માટે અનેક લોકો સાથ અને સહયોગ આપે છે. જેમાં એક પ્રભાબેન ભોગીલાલ મેવાડા 75 વર્ષની ઉંમર હોવા છતાં પણ આ તમામ અબોલ પશુઓ માટે નિસ્વાર્થ ભાવે બાજરીના રોટલા બનાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી પ્રભાબેન આ સંસ્થા સાથે જોડાયેલા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમિયાન સમગ્ર દેશ લોકડાઉનમાં હતું. આ મહામારી વખતે અબોલ પશુ-પક્ષીઓની હાલત કફોડી બની હતી, ત્યારે ડીસામાં અબોલ સેવા ગ્રુપ દ્વારા 200 કિલો શીરો બનાવી અબોલ પશુઓને ખવડાવવામાં આવતો હતો. આ કામગીરીને ડીસાવાસીઓએ બિરદાવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો સંસ્થા સાથે જોડાયા હતા.
કોરોના કાળ બાદ અત્યાર સુધી દરરોજ શ્વાનો અને ગાયો માટે 250થી વધુ બાજરીના રોટલા બનાવવામાં આવે છે તેમજ આ સંસ્થા દ્વારા મકરસંક્રાંતિ પર્વ પર શ્વાનો માટે લાડુ બનાવવામાં આવે છે. પશુઓને ખાવા માટે ચાટ તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા લાવી સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવે છે. આ ઉપરાંત, ડીસા શહેરમાં સૌથી વધુ કડકડતી ઠંડી શિયાળામાં પડતી હોય છે, ત્યારે આ કડકડતી ઠંડીમાં અબોલ પશુઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે કોથળા લાવી અબોલ પશુઓને ઓઢાડવામાં આવે છે. પક્ષીઓ માટે ચણ અને કીડીઓ માટે કીડિયારું પણ પૂરું પાડવામાં આવે છે.