ટાઈટન સબમરીનનો કાટમાળ કેનેડાના એક યુએવી દ્વારા શોધી લેવામાં આવ્યો
ચાર દિવસથી લાપતા સબમરીન ડુબી ગઈ કોઈના મૃતદેહ હાથ લાગ્યા નથી
ન્યુયોર્ક -તા.23- ટાઈટેનીકનો કાટમાળ નિહાળવા ગયેલી સબમરીન સમુદ્રમાં ડુબી ગઈ છે અને તેમાં સવાર પાંચેય અબજોપતિઓના મોત નિપજયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જો કે, હજુ કોઈના મૃતદેહ હાથ લાગ્યા નથી. ટાઈટન સબમરીનનો કાટમાળ કેનેડાના એક યુએવી દ્વારા શોધી લેવામાં આવ્યો હતો. આ કાટમાળ ટાઈટેનીક પાસેથી જ મળ્યો હતો, સબમરીન ઓપરેટ કરનારી કંપની, ઓશનગેટે સતાવાર રીતે જાહેર કર્યુ હતું કે સબમરીનમાં સવાર પાકિસ્તાની અબજપતિ સહિત પાંચેયના મોત થઈ ગયા છે.
કંપનીના સ્થાપક અને સીઈઓ પણ સબમરીનમાં સવાર હતા. કંપનીએ સતાવાર નિવેદનમાં કહ્યું કે કંપનીના સીઈઓ સ્ટોકટન રશ, શાહજાદા દાઉદ તેમના પુત્ર સુલેમાન દાઉદ, હામિશ હોર્ડિંગ તથા પોલ હેનરીને ગુમાવી દીધા છે. તેઓ સાચા સંશોધક હતા અને મહાનગરોમાં શોધ વિશે ઝનૂન ધરાવતા હતા. આ સબમરીન રવિવારે લાપતા થઈ હતી તેમાં પાકિસ્તાની અબજોપતિ પિતા-પુત્ર પણ સવાર હતા. સંપર્ક કપાયા બાદ ઉતરીય એટલાંટીક મહાસપ્તાહમાં 300 માઈલ સુધી શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
અમેરિકા-કેનેડાના નૌકાદળ ઉપરાંત ખાનગી એજન્સીઓ પણ સામેલ થઈ હતી. સબમરીનમાં 96 કલાકનો ઓકસીજન હોવાનો દાવો કરાયો હતો. પરંતુ નિષ્ણાંતો તે વિશે શંકા દર્શાવતા હતા. પ્રાથમીક તપાસમાં વિસ્ફોટને કારણે સબમરીન ડુબી ગયાનું બહાર આવ્યું છે. ઉપકરણ અથવા ઓકસીજન ટેન્કમાં વિસ્ફોટ હોઈ શકે છે. આ સબમરીન સમુદ્રમાં 4000 મીટર સુધી ઉંડાઈ સુધી પહોંચવામાં સક્ષમ હતી. એકાએક વધુ પડતી ઉંડાઈએ જવામાં વિસ્ફોટ થઈ શકે છે. વિસ્તૃત તપાસ બાદ વાસ્તવિક કારણ બહાર આવવાનો કંપનીએ દાવો કર્યો છે.