રાજયના એસટી નિગમમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રાઈવર-કન્ડકટરની મોટી ઘટ્ટ વર્તાઈ રહી છે
હાલ એસટી નિગમમાં 17000 ડ્રાઈવર અને 17000 કંડકટરો ફરજ બજાવી રહ્યા છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 21- રાજયના એસટી નિગમમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રાઈવર-કન્ડકટરની મોટી ઘટ્ટ વર્તાઈ રહી છે અને આ ઘટ્ટને પુરી કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ડ્રાઈવર-કન્ડકટરોની નવી ભરતી કરવા માટે ચર્ચાઓ થઈ રહી છે. જો કે હવે આ ચર્ચાઓનો અંત આવનાર છે અને ટુંક સમયમાં એસટી નિગમમાં 3100 જેટલા નવા ડ્રાઈવર-કન્ડકટરોની ભરતી થનાર હોવાનું એસટી નિગમના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.આ અંગેની જાણવા મળતી વધુ વિગતો અનુસાર હાલ એસટી નિગમમાં 17000 ડ્રાઈવર અને 17000 કંડકટરો ફરજ બજાવી રહ્યા છે આમ કુલ 34000 જેટલા ડ્રાઈવર-કંડકટરો હાલ ફરજ પર છે.

આમ છતાં હજુ પણ એસટી નિગમમાં 15% જેટલી ડ્રાઈવર-કન્ડકટરોની ઘટ્ટ પડે છે તે પુર્ણ કરવા માટે ટુંક સમયમાં જ નવા 3100 જેટલા ડ્રાઈવર-કંડકટરોની ભરતી થનાર છે જેમાં 2000 ડ્રાઈવર અને 1100 કંકડટરોનો સમાવેશ થાય છે. નવા ભરતી થનાર આ તમામ ડ્રાઈવર-કંડકટરોને ફીકસ પગારમાં પાંચ વર્ષ માટે પ્રથમ તબકકામાં ભરતી કરવામાં આવનાર છે ત્યારબાદ ક્રમશ: તેઓને કાયમી કરવામાં આવશે. વધુમાં એસટી નિગમના આધારભૂત અધિકારી સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર નવા ભરતી થનાર ડ્રાઈવર-કંડકટરોની ભરતી ગૌણસેવા પસંદગી મંડળ મારફતે કરવામાં આવનાર છે અને આ ભરતી માટેની દરખાસ્ત પણ એસટી નિગમ દ્વારા તાજેતરમાં જ સરકારમાં કરી દેવાઈ છે.
વધુમાં એસટી નિગમના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર નવા ડ્રાઈવર-કંડકટરોની ભરતી માટેની મંજુરી સંભવત: ચાલુ માસના અંત સુધીમાં સરકારમાંથી મળી જાય તેવા નિર્દેશો છે અને આવતા જુલાઈ માસની શરૂઆતથી જ નવી ભરતીની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવે તેવું પણ એસટી નિગમના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરોની ઘટ્ટ હોવાના કારણે અનેક ડ્રાઈવર-કંડકટરોને ઘણીવાર ડબલ ડયુટી નિભાવવી પડે છે. આ ઉપરાંત ઘણીવાર ડ્રાઈવર-કંડકટરોની ઘટ્ટના પગલે વિવિધ રૂટો પર પણ વિપરીત અસર પડે છે. જો કે હવે ટુંક સમયમાં જ મોટી સંખ્યામાં નવા ડ્રાઈવર-કંડકટરોની ભરતી થનાર હોય ઉપરોક્ત સમસ્યાનો અંત આવશે તેવી પુરી શકયતા છે.


