2000ની નોટો બદલાવાના લાલચમાં ધ્યાન રાખજો નકલી નોટોના ચક્કરમાં ભરાઇ ન જવાય
અમદાવાદમાં નકલી 500 નોટો આપી 2000 અસલી નોટ મેળવવાનો ખેંલમાં ત્રણ શખ્સોની ધરપકડ
500ની નકલી નોટોનો માસ્ટર માઇન્ડ ફરાર શોધખોળ માટે પોલીસે ટીમો રવાના કરી
ગરવી તાકાત, અમદાવાદ તા. 29 – જો તમારી પાસે 2000 ની ચલણી નોટો છે અને તમે તેને બદલવા માટે જો તમે ખોટો રસ્તો અપનાવો છો, તો ચેતી જવાની જરૂર છે. કારણ કે અસલી નોટોની સામે તમને ₹500 ના દરની નકલી નોટો આપવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચે આવા જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેની પાસેથી 7.85 લાખની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી. જોકે આ ગુનાનો માસ્ટર માઈન્ડ ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપી મોહન ગવંડર, દિનેશ ઉર્ફે લાલો રાજપુત અને રઘુનાથ પિલ્લઈની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ શહેરના નરોડા અને હાટકેશ્વર વિસ્તારમાંથી કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ₹500 ના દરની 1570 બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. મહત્વનું છે કે આરોપીઓ આ બનાવટી નોટો 2000 રૂપિયાની અસલી ચલણી નોટો મેળવી તેની સામે નકલી નોટો આપવાના હતા. જોકે આરોપીઓ સફળ થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા છે. સાથે જ ડુપ્લીકેટ નોટો આરોપીઓ સુધી પહોંચાડનાર અને નોટ બનાવનાર પોંડિચેરીનો વિકેશ ઉર્ફે વિકી વનિયર ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય મંડલીકે જણાવ્યું કે, આરોપીઓની પૂછપરછ માટે હકીકત પણ સામે આવી કે, સામાન્ય રીતે 2000ની ચલણી નોટો બદલનાર વ્યક્તિ જો છેતરપિંડીનો ભોગ બને તો તે પોલીસ ફરિયાદ નહીં કરે. કારણ કે તેની પાસે રહેલી 2000 ના દરની નોટો બ્લેક મની હશે. જેથી તે પોલીસને જાણ નહી કરે. તેવુ માની આ કાવતરૂ રચવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બનાવટી નોટો ભારત બહાર એટલે કે પાકિસ્તાનથી આવી હતી. 500 ની દરની નકલી નોટોની તપાસ કરતા FSL અધિકારીએ હાઈક્વોલિટી નોટો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ઝડપાયેલા આરોપીના ગુનાઈત ઈતિહાસ હોવાનું પણ સામે આવ્યુ છે.
પોલીસ તપાસમા સામે આવ્યુ છે કે આ ગુનાનો મુખ્ય આરોપી વિકેશ ઉર્ફે વિકી વનિયર અગાઉ રામોલ પોલીસ મથકમાં નકલી નોટોના ગુનામાં ઝડપાયો હતો. તો અન્ય આરોપી મોહનને ઍક કરોડની ખંડણીના ગુનામા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો હતો. જેથી પોલીસ આ ગુનાના મૂળ સુધી પહોચવા તપાસ પોંડીચેરી સુધી લંબાવી છે. જેથી બનાવટી નકલી નોટોના રેકેટમાં શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.


