લાંઘણજ પોલીસે મંડાલીના જુગારધામ પરથી 17500નો મુદ્દામાલ કબજે કર્યો
ગંજીપાના પર હાર જીતનો જુગાર રમતા રમાડતાં નવ શખ્સોને ઝડપી પાડ્યાં
ગરવી તાકાત, લાંઘણજ – લાંઘણજ પોલીસે મંડાલીમાં ચાલતાં જુગારધામ પર ત્રાટકી નવ જુગારીઓને 17500નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. ગંજી પાનાનો જુગાર રમાનાર તમામ નવ મંડાલીના જુગારીઓને ઝડપી જેલમાં ધકેલ્યાં હતા.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવાના આપેલા આદેશ મુજબ લાંઘણજના પીએસઆઇ આર.જી.ચૌધરીના નેતૃત્વ હેઠળ લાંઘણજ પોલીસ સ્ટેશનના એએસઆઇ ગુલાબસિંહ, પરેશકુમાર, નરેન્દ્રસિંહ, સંકેતકુમાર, હાર્દિકકુમાર, પ્રતિકકુમાર, રણજીતસિંહ, તથા વિજયસિંહ સહિત સ્ટાફને બાતમી મળી હતી કે મંડાલી ગામમાં આવેલ દારુલ ઉલૂમ મદરેસા પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ગંજીપાનાનો જુગાર રમી રમાડી રહ્યાં છે જે બાતમીના આધારે લાંઘણજ પોલીસ સ્ટાફે ઘટના સ્થળ પર રેઇડ કરતાં હાજર જુગારીઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે જુગારધામ પરથી પોલીસે નવ જુગારીઓને ઝડપી પાડ્યાં હતા. નવ જુગારીઓ પાસેથી પોલીસે 17500નો મુદ્દામાલ કબજે કરી તમામ 9 મંડાલીના જુગારીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


