મેવડ ટોલનાકા પાસે એલસીબીએ વિદેશી શરાબ સાથે 1.81 લાખનો મુદ્દામાલ પકડ્યોં
સેન્ટ્રો કારને રોકવાનો પ્રયાસ કરતાં કારના ચાલકે કાર ભગાડી મુકી હતી
એલસીબી કારનો પીછો કરતાં કાર ચાલક મેવડ ગામના નેળીયામાં કાર મુકી રફુચક્કર થઇ ગયો
Sohan Thakor – મહેસાણા તા. 10 – મહેસાણા એલસીબીની ટીમે મેવડ ટોલનાકા પાસે વોચમાં હતી તે દરમિયાન પાલનપુર મહેસાણા તરફથી આવતી સેન્ટ્રો કારને અટકાવવાનો પ્રયાસ કરતાં સેન્ટ્રો કારનો ચાલક યુ ટર્ન મારી કાર મારી મુકી હતી. જેને પગલે એલસીબીની ટીમે કારનો પીછો કરતાં કારનો ચાલક મેવડના નેળીયામા કાર મુકી ફરાર થઇ ગયો હતો. પોલીસે કારમાંથી વિદેશી શરાબ સાથે 1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહેસાણા જિલ્લા પોલીસવડાએ પ્રોહિબીશનના ગુના અટકાવવા આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ દિલિપસિંહ, રાજેન્દ્રસિંહ, સાબીરખાન, કિરણજી, સન્નીકુમાર, પિયુષકુમાર, પાર્થકુમાર, ભાવિકકુમાર મહેન્દ્રભાઇ સહિતનો પોલીસ સ્ટાફ વિવિધ ટીમો બનાવીને અમદાવાદ હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગ કરી રહ્યાં હતા તે દરમિયાન સાબીરખાન તથા કિરણજીને સંયુક્ત બાતમી મળી હતી કે, પાલનપુર મહેસાણા તરફથી આવતી એચઆર-૨૬-૭૯૮૧ નંબરની સેન્ટ્રો કારમાં વિદેશી શરાબનો જથ્થો લઇ અમદાવાદ તરફ જવાના છે
જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે મેવડ ટોલનાકા પાસે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન બતાવેલ નંબર વાળી સેન્ટ્રો કાર આવતાં તેને અટકાવવાનો પ્રયાસ કરતાં કારના ચાલકે યુ ટર્ન લઇને મેવડ ગામના નેળીયામાં કાર મારી મુકી હતી. જો કે પોલીસે કારનો પીછો કરતાં કાર ચાલક નેળીયામાં કાર મુકી ભાગી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી શરાબની 791 બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી શરાબનો જથ્થા સાથે કુલ રુ 1.81,393નો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

