યુવકની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી છે કે કેમ તેનો કોયડો ઉકેલવાનો નંદાસણ પોલીસનો પ્રયાસ
મૃતક યુવકના શરીરના ભાગે ઇજાના નાના મોટા નિશાન જોવા મળ્યાં હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 05 – કડી તાલુકાના ખેરપુર રોડ પર એક અજાણ્યા 35 વર્ષીય યુવકની લાશ રોડની બાજુની સાઇડમાં પડેલી જોવા મળતાં સ્થાનિકોએ આ બાબતની જાણ નંદાસણ પોલીસને કરતાં નંદાસણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આ હત્યા છે કે કોઇ અન્ય કારણ છે તે બાબતની કડી ઉકેલવાના પ્રયાસમાં જોતરાઇ છે. મહત્વનું છે કે યુવકના શરીર તેમજ માથાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યાં હતા.

મહેસાણા જિલ્લામાં હત્યા કરી લાશોને ફેંકી દેવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં તાજેતરમાં બાસણા નજીક એરંડાના ખેતરમાંથી મોલમાં નોકરી કરતી યુવતિની લાશ મળી આવી હતી ત્યારબાદ લાંઘણજ પોલીસ વિસ્તારમાં વડસ્મા ફાર્મસી કોલેજમાં યુવતીની હત્યા કરી લાશને આત્મહત્યામાં ખપાવવાનો નિરર્થક પ્રયાસ બાદ આજે વધુ એક યુવકની લાશ કડી નંદાસણ વિસ્તારમાં ખેરપુરની સીમમાંથી મૃત હાલતમાં મળી આવી છે. મૃતક યુવકના શરીર પર ઇજાના નાના મોટા નિશાન છે.
ત્યારે આ 35 યુવકની મળી આવેલી લાશ હત્યા કરીને ફેંકી દેવામાં આવી છે કે કોઇ અન્ય કારણ છે. આ બાબતની જાણ ગ્રામજનોએ નંદાસણ પોલીસને કરતાં નંદાસણ પીઆઇ સહિતની ટીમ કડીના ખેરપુરની સીમમાં પહોંચી લાશની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો છે. જેથી ગુનાની તપાસ ઉકેલી શકાય. મહત્વની બાબત છે કે, મહેસાણા પોલીસ તંત્ર દ્વારા ઉપરોક્ત બંન્ને યુવતિઓની હત્યાનો ભેદ ઉકેલી હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે વધુ એક લાશનો વણઉકલ્યો કોયડો પોલીસ સમક્ષ આવી પડ્યો છે. જો કે લાશની ઓળખ બાદ શું હકીકત છે તે પોલીસ ખુલ્લી પાડશે.


