ભારતીય રેલ્વેએ તેનો ઓપરેટીંગ રેશીયો 98.14 ટકા જેટલો મેળવ્યો છે જે પણ એક સિદ્ધિ છે
કોરોનાની મહામારી બાદ પ્રથમ વખત રેલવેની આવક રેકોર્ડ બ્રેક નોંધાઇ નવી
દિલ્હી તા. 18 – કોરોનાકાળ પછી ફરી એક વખત ઝડપથી દોડવા લાગેલી ભારતીય રેલ્વેએ 2022-23માં રેકોર્ડબ્રેક રૂા.2.40 લાખ કરોડની આવક મેળવી છે જે અગાઉના નાણાકીય વર્ષ કરતા રૂા.49 હજાર કરોડ વધુ છે. ભારતીય રેલ્વેનું એક તરફ આધુનિકરણ થઈ રહ્યું છે અને બીજી તરફ રેલ્વે દ્વારા વંદેભારત સહિતની ટ્રેનો અને ફ્રેઈટ કોરીડોર મારફત માલ પરિવહન પણ ઝડપી બનાવાયુ છે તેનો સીધો લાભ રેલ્વેને તેની આવક સંદર્ભમાં મળ્યો છે. 
રેલ્વે દ્વારા બહાર પડાયેલ સતાવાર આંકડા મુજબ 2022-23માં રેલ્વેની નુર ભાડાની આવક 15 ટકા વધીને રૂા.1.62 લાખ કરોડ નોંધાઈ છે અને મુસાફર ભાડા આવક પણ 61 ટકા વધીને રૂા.63300 કરોડ નોંધાઈ છે અને આ આવક પછી રેલ્વે હવે તેની નાણાકીય ચિંતામાંથી તબકકાવાર બહાર નીકળી ગયું છે. ખાસ કરીને રેલ્વેનો પેન્શન ખર્ચ સૌથી વધુ છે. ભારતીય રેલ્વેએ તેનો ઓપરેટીંગ રેશીયો 98.14 ટકા જેટલો મેળવ્યો છે જે પણ એક સિદ્ધિ છે.
રેલ્વેએ અત્યાર સુધી પેન્શન ખર્ચ માટે નાણામંત્રાલય પાસે વધુ ભંડોળ મેળવવું પડતું હતું. 2021-22માં રેલ્વેની મુસાફર ભાડા આવક રૂા.39214 કરોડ હતી. જયારે રેલ્વેએ કોચ ભાડે આપીને રૂા.5951 કરોડની આવક મેળવી છે. જો કે રેલ્વેનો કુલ ખર્ચ 2022-23માં રૂા.237375 કરોડ થયો છે. રેલ્વેએ 2022-23 દરમિયાન રૂા.109004 કરોડનો કેપીટલ ખર્ચ એટલે કે રેલ્વેલાઈન બિછાવવા સહિતના કામમાં ખર્ચ કર્યો છે.

