વડનગરના વતની અને ખેરાલુમાં ફરજ બજાવતાં પીરુભાઇ મીરને દિલ્હીનું તેડું
એસ.ટી ડ્રાઇવર તરીકે પોતાની ફરજમાં દર્શાવેલી શ્રેષ્ઠતાને પગલે એવોર્ડથી સન્માનિત કરાશે
ગરવી તાકાત, મહેસાણા તા. 17- મહેસાણા જિલ્લાના એસ.ટી વિભાગમાં બસના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં પીરુભાઇ મીરને દિલ્હીથી રાષ્ટ્રપતિનું તેડું આવ્યું છે. પીરુભાઇ મીરની પોતાની ફરજ પ્રત્યેની વફાદારી અને તેમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ દિલ્હીમાં લેવામાં આવી છે. જેથી પીરુભાઇ મીરે નિભાવેલી પોતાની બખુબીની કામગીરીને લઇ તેઓને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડથી સન્માનિત કરી નવાજવામાં આવશે. 
વાહન ચલાવવું તે પણ એક કળા છે. જો પદ્ધતિસર અને નિયમ બદ્ધ વાહન ચલાવવામાં આવે તો ઇંધણની બચતની સાથે સાથે અકસ્માત પણ નિવારી શકાય છે. મહેસાણાના ખેરાલુ એસ ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવ ઉત્તમ ડ્રાઇવિંગનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. આ ડ્રાઇવરની ઉત્તમ ડ્રાઇવિંગ માટે રોડ સેફટી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. 27 વર્ષની ફરજમાં આ ડ્રાઇવરના હાથે એક પણ અકસ્માત નથી થયો. એટલું જ નહીં આ ડ્રાઇવરે સારા ડ્રાઇવિંગને કારણે ઇંધણ ની પણ બચત કરી છે.
વડનગરના વતની અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફટી એવોર્ડ માટે પસંદગી થઇ છે. તેમને આ એવાૅર્ડ આગામી 18 એપ્રિલે દિલ્હીમાં યોજાનારા ખાસ સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવશે. એસટી ડ્રાઈવર તરીકેની 27 વર્ષની ફરજ દરમિયાન એક પણ અકસ્માત વિના, ઓછા ડીઝલ વપરાશ સાથે ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી છે. પીરુભાઈએ અત્યાર સુધીની કારકિર્દીમાં એક પણ રજા લીધી નથી. તેમની સામે કોઈ ખાતાકીય તપાસ પણ નથી. તે સહિતની બાબતો ધ્યાને લઈ આ રાષ્ટ્રીય કક્ષાના એવાૅર્ડ માટે પસંદગી કરાઈ છે.


