ત્રણ માસ અગાઉ વિસનગરના છોગાળામાં બંધ મકાનનું તાળું તોડી 9.54 લાખના દાગીનાની ચોરી થઇ હતી
વિસનગરમાં બાઇક પર આવતાં બે શખ્સોને અટકાવી થેલીમાં તપાસ કરતાં સોના ચાંદીના દાગીના મળી આવ્યાં
પોલીસે 8,71, 800ના સોના ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં
ગરવી તાકાત, મહેસાણા તા. 17 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિસનગરના છોગાળામાં નીકળેલી આજથી ત્રણેક માસ અગાઉ શોભાયાત્રા દરમિયાન એક પરિવાર આ શોભાયાત્રામાં ગયો હતો. આ દરમિયાન ત્રણે તસ્કર ચોર ઇસમોએ એક બંધ મકાનનું તાળું તોડી શોભાયાત્રાનો લાભ ઉઠાવી મકાનમાં પ્રવેશ કરી તેમાં પડેલા 9,54,700ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થવા પામી હતી. જે ચોરીનો ભેદ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટમે ઉકેલી ચોરીમાં સંડોવાયેલા બે શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી 8,71, 800નો મુદ્દામાલ કબજે કરી પોતાની કામગીરીની સફળતાં સાબિત કરી હતી. મહત્વનું છે કે, મહેસાણા એલસીબીની ટીમ વણઉકલ્યાં અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં સતત સફળ સાબિત થઇ રહી છે. 
આજથી આશરે ત્રણેક માસ અગાઉ વિસનગર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છોગાળા ગામે ચામુંડા માતાજીનો પાટોત્સવ યોજાયો હતો. આ પાટોત્સવ દરમિયાન છોગાળા ગામે રહેતો પરિવાર ગામમાં નીકળેલ શોભાયાત્રામાં ગયો હતો. આ દરમિયાન તકનો લાભ લઇ ત્રણ ઇસમોએ ગામમાં રહેતા એક પરિવારના મકાનનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલા સોના ચાંદીના દાગીના જેની કિંમત રુા. 9,54,700 નો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયા હતા. આ લાખોની કિંમતની ચોરીનો ભેદ ઉકેલવાની જવાબદારી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર આવી હતી. ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મહેસાણા એલસીબીની ટીમે લાખોની કિંમતના દાગીના લઇ ફરાર થઇ જનાર શખ્સોને ઝડપી પાડવાનું બીડું ઝડપ્યું હતું.
આ દરમિયાન એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલીસીસની તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી ગુનોનો ભેદ ઉકેલવા માટે મહેસાણા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ મહેસાણા એલસીબીની ટીમના ઇન્ચાર્જ પી.આઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એચ.એલ. જોષી, એએસઆઇ આશાબેન, દિલિપસિંહ, રાજેન્દ્રસિંહ, ડાહ્યાભાઇ, દિનેશભાઇ, તથા હે.કો. પિયુષકુમાર, સાબિરખાન, સંજયભાઇ, પાર્થકુમાર, ભાવિકકુમાર, હરેશસિંહ, સહિતની ટીમ વિવિધ ટીમો બનાવી વિસનગર ખાતે પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એએસઆઇ રાજેન્દ્રસિંહ તથા દિલિપસિંહને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, 
બે શખ્સો નંબર વગરના મોટર સાયકલ ઉપર માટેલ હોટલની સામે જતાં રોડ તરફ રેલવે નાળા થઇ વડનગરી દરવાજા તરફ જવાના છે. જે બંન્ને ઇસમો શંકાસ્પદ જણાઇ રહ્યા છે. આ બાતમી મળતાં જ વિસનગરમાં પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી ટીમના ઉપરોક્ત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન બાતમીવાળા બંન્ને શખ્સો મોટર સાયકલ લઇને નીકળતાં તેમને અટકાવી નામ ઠામ પુછતાં તેઓએ પોતાનું નામ ઠાકોર સેધાજી જહાજી રહે. વામૈયા તા. સરસ્વતી તથા બીજો ઇસમ ઠાકોર કિરણજી અજીતજી રહે. દેણપ, તા. વિસનગરવાળો હોવાનું જણાવ્યું હતું.
જ્યારે બંન્ને શખ્સો પાસે રહેલી થેલીમાં તપાસ કરતાં થેલીમાંથી સોના ચાંદીના દાગીના મળી આવ્યાં હતા જે બાબતે પોલીસે આ બંને શખ્સોને વધુ પુછપરછ કરતાં બંને શખ્સોએ જણાવ્યું હતું કે ત્રણેક માસ અગાઉ વિસનગરના છોગાળા ગામે પાટોતસ્વમાં નીકળેલ શોભાયાત્રાનો લાભ લઇને તેઓએ ગામના એક પરિવારના બંધ મકાનનું તાળું તોડી ત્રણ શખ્સોએ ભેગા મળીને સોના ચાંદીના કિંમત 9,54,700 નો મુદ્દામાલ ચોરી કરી હતી. પોલીસે બંન્ને શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી બાઇક, દાગીના સહિત કુલ રુ. 8,71,800નો મુદ્દામાલ કબજે કરી સીઆરપીસીની ધારા 102 મુજબ કબજે કરી કલમ 41 (1)ડી મુબજ અટકાયત કરી વિસનગર પોલીસમાં નોંધાયેલ ઇપીકો કલમ 454, 380 મુજબના વિસનગર શહેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ પ્રજાપતિ પ્રવિણ ઉર્ફે ભુરાભાઇ જસવંતભાઇ રહે. દેણપ, વાલમીયા ઠાકોરવાસ, તા. વિસનગરવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી પકડેલો મુદ્દામાલ
સોનાનો પૈયા હાર કિંમત 3.50 લાખ
સોનાના કાને પહેરવાના આંગનીયા નંગ 3 કિંમત 60 હજાર
સોનાની વીંટી નંગ 3 કિંમત 35 હજાર
સોનાનું લોકેટ નંગ 1 કિંમત 1.50 લાખ
સોનાનું મંગળસૂત્ર નંગ 1 કિંમત 1.65 લાખ
સોનાની કાનની બુટ્ટી નંગ 1 કિંમત 75 હજાર
ચાંદીના સિક્કા નંગ 4 કિંમત 2800
ચાંદીની વીંટી નંગ 4 કિંમત 2500
ચાંદીની ચેન કિંમત 1500
મોટર સાયકલ કિંમત 25 હજાર
મોબાઇલ કિંમત 5 હજાર
મળી કુલ 8,71, 800


