પોથીયાત્રામાં પાંચ હજારથી વધુ ભાવિકો ઉમટી પડયા
વિશ્વ ઉમિયાધામની મહિલા સંગઠનની બહેનોની જવેરા યાત્રા નીકળી
ગરવી તાકાત, અમદાવાદ તા. 21 – વિશ્વના સૌથી ઉંચામાં ઉંચા જગત જનની માં ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આંગણે ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. 21મી ફેબ્રુઆરીને મંગળવારથી આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો રંગેચંગે પ્રારંભ થયો. વિશ્વ પ્રસિધ્ધ કથાકાર જીજ્ઞેશદાદાના સ્વમુખેથી શ્રીમદ્ ભાગવત કથાનું સાત દિવસ રસપાન થવાનું છે. 
ત્યારે ગઈકાલે ભવ્ય પોથી યાત્રા અને માં ઉમિયાની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં અમદાવાદ શહેર સહિત રાજયભરના 5000થી વધુ ભાવિકભકતો પોથી યાત્રામાં ઉમટયા હતા. સંસ્થાના દાતા વિષ્ણુભાઈ પટેલના ઘરેથી પોથીયાત્રા નીકળી કથા સ્થળ નિરમા પ્લોટ, સાયન્સસિટી રોડ પહોંચી હતી. વિશ્વ ઉમિયાધામની મહિલા સંગઠનની બહેનો દ્વારા પોથી યાત્રા સાથેસાથે જવેરા યાત્રા પણ કાઢી હતી. જેમાં મહિલાઓ રંગેચંગે જોડાઈ હતી.
વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં હું પણ પાયાનો પિલર અભિયાન અંતર્ગત આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. કથાના પ્રથમ દિવસે જ 101 મહાનુભાવો પાયાના પિલર તરીકે જોડાયા છે. અત્યાર સુધીમાં 501 મહાનુભાવો પાયાના પિલર તરીકે જોડાયા છે. જેમાં દરરોજ 10 હજારથી વધુ ભાવિ ભકતો કથાનું રસપાન કરશે.


