સરકારી બાબુઓ એજન્ટોનું કામ જ ન કરે તો એજન્ટો સરકારી કચેરીઓમાંથી આપોઆપ નીકળી જાય
શું એજન્ટ પ્રથા સરકારી હોદ્દા પર બિરાજમાન સરકારી બાબુઓના આર્શિવાદ વિના શક્ય છે
‘‘ આઉ ભાઇ હરખા, આપણે બેઉ સરખા’’ ની નિતી પર કામ કરે છે મોટાભાગના સરકારી બાબુઓ
ગરવી તાકાત, મહેસાણા, તા. 02- ઇલેક્ટ્રોનિક્સ મિડીયામાં એજન્ટ પ્રથા વિશે સ્ટીંગ કરવામાં આવ્યું જેમાં તમામ સરકારી કચેરીઓમાં એજ
ન્ટ રાજથી ધમધમી રહી છે. જે કચેરીઓમાં કેટલાક નિષ્ઠાવાન સરકારી બાબુઓ સિવાય મોટાભાગના સરકારી બાબુઓ એજન્ટ પ્રથા થકી જ કામગીરી ચલાવી રહ્યા છે. સરકારના જમાઇ હોવાથી સરકાર તરફથી તો મળતી તમામ સેવાઓ અને પગારનો લાભ તો મેળવે છે પરંતુ આટલું બધુ પણ ઓછુ પડતું હોય તેમ રાતો રાત કરોડપતિ બની જવાના સ્વપ્નમાં રાચતાં મોટાભાગના સરકારી બાબુઓ એજન્ટ પ્રથા થકી કાળી કમાણી કરવામાં કોઇ કસર છોડતાં નથી.
ત્યારે સરકારના પ્રવક્તા ઋષિકેશભાઇ પટેલ જણાવી રહ્યા છે કે અમે વચેટીયાઓ અંગે તપાસ કરીશું તે વાત મંત્રીશ્રીની યોગ્ય છે પરંતુ અહીં સવાલ એ થાય છે કે શું એજન્ટ પ્રથા સરકારી હોદ્દા પર બિરાજમાન સરકારી બાબુઓના આર્શિવાદ વિના શક્ય છે ખરી.. સરકારી બાબુઓ એજન્ટોનું કામ જ ન કરે તો એજન્ટો સરકારી કચેરીઓમાંથી આપોઆપ નીકળી જાય કોઇ કાર્યવાહી કરવાની પણ જરુર નથી પરંતુ અહીં મહત્વની વાત એ છે કે આઉ ભાઇ હરખા આપણે બેઉ સરખાની નિતી પર કામ કરે છે ગુજરાતની તમામ સરકાર કચેરીઓના મોટાભાગના સરકારી બાબુઓ ત્યારે મંત્રીશ્રીએ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ પર કોરડો વિંઝવાની જરુર છે.
ઓપરેશન એજન્ટ રાજના ગાંધીનગરમાં ગંભીર પડઘા પડ્યા છે. એજન્ટ રાજની સરકારે ગંભીર નોંધ લીધી છે. આ સમગ્ર ઓપરેશનની રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાણીને કહ્યું અમે કડક કાર્યવાહી કરીશું. વચેટિયાઓ અંગે તપાસ કરીશું. સીધી સેવાઓને લાભ લોકો સુધી પહોંચવા નથી દેતા તેવા લોકો સામે પગલાં લઈશું. ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, કેટલાક લોકોને ખબર નથી હોતી તેથી આવા લોકોનો શિકાર બને છે. આવા લોકોને ઝડપવાની કામગીરી કરીશું.
એક વાત સીધી રીતે આ એજન્ટો જ બતાવી રહ્યા છે કે, જનતાનું કોઈ નાનામાં નાનું કામ પણ આસાનીથી થતું નથી. ભ્રષ્ટ અધિકારીઓને પ્રસાદી ના ધરાવો તો તમારાં ચપ્પલ ઘસાઈ જાય પરંતુ તમારું કામ થતું નથી. ભ્રષ્ટ અધિકારીઓ માટે કામ કરી રહ્યા છે જેમના પર આજ દિન સુધી સરકારનો કોરડો વિંઝાયો નથી. જનતાના પ્રતિનિધિ બનીને ફરતા ધારાસભ્યો કે સાંસદો પણ જનતાને લૂંટવાના આ ખેલ સામે મૌન છે તે ગરીબ જનતા માટે ભ્રષ્ટાચારના ઘા પર મીઠું ભભરાવવા જેવી સચ્ચાઈ બની ગઈ છે. આ તમામ એજન્ટનોની ઉપર કોઈ અધિકારીનો જ હાથ છે જે આ કાળી કમાણીના માસ્ટર માઈન્ડ છે.


