મનમાની : નડાબેટ ટુરિઝમ ખાતે પર્યટકોને આકર્ષવા કરોડોનો ખર્ચ છતાં મંદિર જવાનો મુખ્ય રસ્તો જ બંધ કરી દેવાયો

September 28, 2022

— નડાબેટ સીમાદર્શનમાં ઉઘાડી લૂંટ સામે મંદિર ટ્રસ્ટ લાલઘૂમ :

— કરોડોનાં ખર્ચે વિકાસ છતાં પ્રવાસીઓ સુવિધાઓને લઈને ત્રસ્ત, નડેશ્વરીધામનાં ટ્રસ્ટી દ્વારા મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ મંત્રી સહિત જિલ્લા કલેક્ટરને રજૂઆત, તાળાબંધીની ચીમકી :

— કોન્ટ્રાક્ટર દ્વારા પ્રવાસીઓની ઉઘાડી લૂંટની વ્યાપક ફરિયાદો છતાં સ્થાનિક વહીવટી તંત્રની ચુપકીદી :

ગરવી તાકાત સુઇગામ : પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ સ્થિત નડેશ્વરી ધામ ખાતે 125 કરોડનાં ખર્ચે વિવિધ વિકાસ કામો કરી સરહદી વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકાસવવા રાજ્ય સરકારે સુંદર પ્રયાસ કર્યા છે. પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ યુ.પી.ની લલ્લુ એન્ડ સન્સ કંપનીને અપાયો છે. કોન્ટ્રાક્ટ કંપનીએ નડાબેટ આવતા યાત્રિકોને પોતાની બસમાં બોર્ડર સુધી લઈ જવા-લાવવાના, પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવાની, યાત્રિકોને જરૂરી માર્ગદર્શન આપવાનું , મ્યુઝિયમ અને થિયેટર બતાવવાનું, ખાવા પીવાની વ્યાજબી ભાવે વ્યવસ્થા કરવાની, યોગ્ય જગ્યાએ ગાડી મફતમાં પાર્ક કરવાની વગેરેની તમામ વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ આ કંપની સેવા આપવાની જગ્યાએ યાત્રિકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા સત્વરે ઉકેલ ન આવે તો તાળાબંધી કરવાની ચીમકી અપાઈ છે.
માતાજીનો મુખ્ય રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરેલ હોઈ મંદિર ટ્રસ્ટ દ્વારા સત્વરે રસ્તો ચાલુ કરવા અને માતાજીનાં મંદિરને જોડતો મુખ્ય રસ્તો કાયમી માટે ખુલ્લો કરવા માંગ કરાઈ છે. જેને બોર્ડર વિઝીટ કરવી હોય તેને થિયેટર, મ્યુઝિયમ, ગાડી પાર્ક અને પોતાની બસમાં ગાઈડ સાથે લાવવા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી સાથે પાંચ વર્ષથી 15 વર્ષના બાળકોનો ₹ 50 અને 15 વર્ષથી ઉપરના સો રૂપિયા નક્કી કરેલ છે પરંતુ કોન્ટ્રાક્ટર બાળકોનો પણ સો રૂપિયા ચાર્જ લે છે જ્યારે પોતાના વાહનોમાં બોર્ડર જાય તેમનો ચાર્જ ખરેખર ₹ 20 લેવાના હોય છે પરંતુ આ કોન્ટ્રાક્ટર તેમનો પણ ચાર્જ  ૧૦૦ રૂપિયા લે છે અને ઉઘાડી લૂંટ કરે છે તેવા આક્ષેપ સાથે આવી ઉઘાડી લૂંટ બંધ કરવા પણ લેખિત રજુઆત મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ છે. બોર્ડર વિઝીટ બી.એસ.એફ. દ્વારા ચાર વાગ્યે બંધ કરવામાં આવે છે તથા મ્યુઝિયમ વગેરે ૫ થી ૬ વાગ્યે બંધ કરવામાં આવે છે અને ૬ વાગ્યા પછી ફક્ત બીએસએફ જવાનો દ્વારા પરેડ જ કરવામાં આવે છે જેનો કોઈ ચાર્જ લેવાનો હોતો નથી છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સાંજના સાત વાગ્યા સુધી સો રૂપિયા ચાર્જ લેવામાં  છે તે બંધ કરાવવા પણ માંગ ઊઠી છે. 
કોન્ટ્રાક્ટરે જમણી બાજુ બનાવેલ થિયેટરમાં 30 મિનિટનો બીએસએફના વીર જવાનો વિશેનો બતાવવાનો હોય છે પરંતુ આ વિડિઓ પણ બતાવાતો નથી જે ચાલુ કરવા સાથે ટુરિઝમ સ્થળોએ પાણીના કુલરો અને ઠંડા પાણીની વ્યવસ્થા ના હોઈ યાત્રિકોને પાણીની બોટલ લેવા મજબૂર થવું પડે છે અને કોન્ટ્રાક્ટર દસ રૂપિયાની પાણીની બોટલના 40 થી 50 રૂપિયા પડાવે છે તેવા આક્ષેપો સાથે આવી ઉઘાડી લુટ બંધ કરવા પણ રજુઆત કરાઈ છે.

— ભોજન – નાસ્તા પણ મોંઘાદાટ :

યાત્રીકોને સહેલાઈથી વસ્તુ મળી રહે તે માટે ફૂડ કોર્ટ બનાવવામાં આવેલ છે ત્યાં વાજબી ભાવે વસ્તુ આપવાની હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર ત્યાં જમવાના 3 રોટલીને પાણી જેવા શાકના 220 રૂપિયા લે છે. ₹ 10 ના સમોસાના ₹ 30 લેવામાં આવે છે બધી જ
વસ્તુઓનો ભાવ ત્રણથી ચાર ગણો લેવામાં આવે છે તથા આ દુકાનનો સ્થાનિક માણસોને ભાડે આપવાની જગ્યાએ કોન્ટ્રાક્ટર ખુદ  ચલાવે છે તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે.

— સ્થાનિક કર્મચારીઓ સાથે અન્યાય :

ટુરીઝમમાં સ્થાનિક માણસોને રોજગારી મળે તે માટે સો ટકા સ્થાનિક માણસો રાખવાના હોય છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા 50% જ સ્થાનિક માણસો રાખેલ છે તથા સ્થાનિક માણસોને પગારમાં પણ ભેદભાવ કરવામાં આવે છે. સ્થાનિક માણસોને આઠથી દસ હજાર રૂપિયા તથા તેમના માણસોને 18 થી 20 હજાર પગાર આપવામાં આવે છે. સ્થાનિક કર્મચારીઓ માટે બસ વ્યવસ્થા પણ ન હોઈ સુઈગામ સુધી બસ વ્યવસ્થા કરવામાં આવે અને સ્થાનિક માણસોને તેમના માણસો જેટલો જ યોગ્ય પગાર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

— મેડિકલ – સફાઈના નામે મીંડું : રાઈડ્સ પણ જોખમી :

ટુરીઝમમાં મેડિકલ સુવિધા કરવા સાથે સંડાસ, બાથરૂમની યોગ્ય સફાઈ થતી નથી અને ઘણીવાર તો સંડાસમાં પાણી પણ આવતું નથી જેથી પર્યટકોને મુશ્કેલી પડે છે.  બાળકોના મનોરંજન માટે એક રાઈડના 200 થી 300 રૂપિયા લેવામાં આવે છે તથા આ રાઈડમાં યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા ન હોઈ આવી રાઈડ્સ જોખમી બનવાની દહેશત વર્તાય છે.

— બસો ખોટકાયેલી, પર્યટકો પરેશાન થાય છે :

હાલમાં 5 બસ ખરાબ હાલતમાં હોઈ યાત્રિકો સવારે 9:00 વાગે આવેલ હોય તેમનો સાંજે ચાર વાગ્યે નંબર આવે છે જેથી યાત્રિકોને પોતાની ગાડી લઈને બોર્ડર પર જવાની ફરજ પડે છે છતાં પણ સો રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે તે બંધ કરવાની માંગ ઉઠી છે. જલોયામાં યાત્રિકોને મોડા વહેલા રાત્રી રોકાણ માટે અને સલાહ સૂચન માટે બનાવેલ વ્યવસ્થામાં કોન્ટ્રાક્ટર પોતાના માણસો નો ને રાખે છે અને યાત્રિકોને કોઈ સુવિધા મળતી નથી.
ટુરિઝમ સંચાલન માટે મુખ્ય મેનેજર સ્થાનિક નિવૃત ફોજી રાખવાના બદલે કોન્ટ્રાક્ટરે છેક બંગાળનો નિવૃત ફોજી રાખેલ છે. નડાબેટ આવતા 99% પર્યટકો ગુજરાતી હોય છે જેથી ગુજરાતી ભાષા સમજી શકે અને યાત્રિકોના પ્રશ્નો સમજી શકે તેવો મેનેજર હોવો જોઈએ પરંતુ આ બંગાળી મેનેજર દિપક ચક્રવર્તી યાત્રિકો સાથે ખૂબ જ તોછડાઈભર્યો વ્યવહાર કરતો હોવાની ફરિયાદોના પગલે ટુરીઝમનો મેનેજર બદલાવાની પણ માંગ ઉઠી છે.
તસવિર અને અહેવાલ : નવીન ચૌધરી – સુઇગામ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0