ગરવી તાકાત અમદાવાદ : રખડતાં ઢોરના આતંક અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. રાજ્યમાં રખડતાં ઢોર મામલે હાઈકોર્ટે તંત્રને આકરા શબ્દોમાં પૂછ્યું કે, આદેશ બાદ શું પરિસ્થિતિ છે. અગાઉની સ્થિતિ હાલમાં પણ યથાવત છે. AMC અને તંત્ર કાર્ય તો કરી રહ્યું છે, પરંતુ હજુ પણ રખડતાં ઢોરના કારણે અકસ્માત થઈ રહ્યા છે. ઢોરનો ત્રાસ દૂર કરવા ગુજરાત હાઈકોર્ટે તંત્રને 7 દિવસનો સમય આપ્યો હતો. આ 7 દિવસનો સમય પૂર્ણ થતા આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. અગાઉ સુનાવણીમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. તો સાથે જ ઢોરનો ત્રાસ દૂર કરવા કોર્ટે કેટલાક નિર્દેશ કર્યા હતા. 7 દિવસ 24 કલાક ઢોર પાર્ટીને કામગીરી કરવા સૂચના આપી હતી. ગત સુનાવણીમાં ઢોર પકડવા જતા કર્મચારીઓ પર થતા હુમલાથી રક્ષણ આપવા કડક કલમ હેઠળ કાર્યવાહી કરવા પોલીસને નિર્દેશ આપ્યા હતા. ત્યારે તંત્રએ આ સાત દિવસમાં શું કામગીરી કરી તે અંગે આજે સુનાવણી હાથ ધરાઈ હતી.
એડવોકેટ્સ એસોસિએશન (પક્ષકાર) તરફથી કોર્ટને રજૂઆત કરાઈ હતી. આજે હાઇકોર્ટે આજે પૂછ્યુ હતું કે, કોર્ટના આદેશ બાદ શું પરિસ્થિતિ છે? એડવોકેટ એસોસિયેશને સમસ્યા જેમની તેમ હોવાનું કોર્ટને જણાવ્યું હતું. સાથે જ કહ્યું કે, Amc અને તંત્ર કાર્ય તો કરી રહ્યું છે, પરંતુ હજુ પણ રખડતાં ઢોરને કારણે અકસ્માતો ચાલુ હોવાની માહિતી કોર્ટને અપાઈ. હાઈકોર્ટે 12 સપ્ટેમ્બર સુધી એડવોકેટ એસોસિએશનને એફિડેવિટ રજૂ કરવા સમય આપ્યો છે. રખડતાં ઢોર મામલે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં લેવાયેલા કડક પગલાંથી પણ કોર્ટને અવગત કર્યા. રખડતાં ઢોરનાં મલિકોને ઓળખી તેમની સામે પાસાં જેવી કલમો લગાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવું અરજદારે કહ્યું. ઢોરના હુમલામાં ઘવાયેલા ઘાયલોને પશુઓના માલિકો વળતર ચૂકવે. રખડતા ઢોર મુકતા માલિકોની ઓળખ કરવામાં આવે.
હાઈકોર્ટે કહ્યું કે, આગામી સુનાવણી સુધી કડકમાં કડક પગલાં લેવામાં આવે. રાજ્યની સ્થિતિ માટે પોલીસ વડાને સૂચના આપો. તમામ SP અને સંબધિત અધિકારીઓ સાથે તાત્કાલિક મીટીંગ યોજો. AMC આ અંગે લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન પ્લાન રજૂ કરે. તમામ 8 મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓને પણ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરે. રાજ્ય સરકારને પણ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન રિપોર્ટ તૈયાર કરો. સાથે જ કોર્ટે કહ્યું કે, હવે તો હદ થઈ ગઈ છે. સરકાર તમામ એ લોકો સામે પગલાં ભરે કે જેમને કોર્ટનાં આદેશનો અનાદર કર્યો છે અથવા કરે છે અને સમાજમાં અશાંતિ ફેલાવી કાયદો હાથમાં લે છે.
સાથે જ રખડતાં ઢોરને કારણે થતા માર્ગ અકસ્માત મામલે સોગંદનામુ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો. ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થતાં અહેવાલોને પણ સોગંદનામાંમાં રજૂ કરવા જણાવ્યું. આ મામલે વધુ સુનાવણી 15 સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરાશે. ત્યાં સુધી ૨૪ કલાક કામગીરી કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી. રાજ્યનાં ગૃહ મંત્રાલયને પણ આ મામલે ધ્યાન આપવા હાઇકોર્ટે ટકોર કરી. હાઈકોર્ટે કહ્યું કે, યોગ્ય ધ્યાન આપો અને જરૂર જણાય તો એક વોર રૂમ શરૂ કરો. તો વોર રૂમ શરૂ કરવા મામલે રાજ્ય સરકારનાં વકીલે કોર્ટને ખાતરી આપીને કહ્યું કે, ચોક્કસ પગલાં લેવાશે.