ગરવી તાકાત બોટાદ : બોટાદના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડથી હાહાકાર સર્જાયો. રોજિદ ગામ લઠ્ઠાકાંડનુ મુખ્ય સેન્ટર હતું. મૃતકોમાં સૌથી વધુ બરવાળાના હોવાથી અહીં ચારેતરફ દર્દનાક માહોલ જોવા મળી રહ્યો. કોઈએ પિતા, તો કોઈએ પુત્ર, તો કોઈએ પતિ ગુમાવ્યો. ત્યારે આજે બરવાળાના મૃતકોને આજે અગ્નિદાહ અપાતા ગામમાં ગમગીની છવાઈ ગઈ. રોજિદ ગામમાં હાલ ઝેરી કેમિકલ પીને મોતથી ભેટનારા મૃતદેહોને લાવવામાં આવી રહ્યાં. રોજિંદ ગામનો મૃત્યુ આંક 9 પર પહોંચ્યો હાલ 5 મૃતદેહોને એકસાથે અગ્નિદાહ અપાશે. ટ્રેક્ટરમાં એકસાથે 5 મૃતદેહોની અંતિમયાત્રા નીકળી, આક્રંદથી સમગ્ર ગામ દ્રવી ઉઠ્યું છે. હજી પણ અનેક મૃતદેહો સ્મશાન ભૂમિ પર આવશે.
— ચિતા ખુટતા જમીન પર થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર :
જે રોજીદ ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયો તેમાં 9 લોકોના મોત થયા છે. ત્યારે હવે આ ગામને દારૂની બદી કેટલી ખરાબ છે તે સમજાઈ ગયુ હશે. લઠ્ઠાકાંડથી રોજીદમાં માતમ છવાયો છે. લઠ્ઠાકાંડથી મોતને ભેટનારા 5 લોકોની એકસાથે અર્થી નીકળી હતી. ત્યારે સ્મશાન ભૂમિમાં ભયાવહ દ્રષ્યો જોવા મળ્યા હતા. નાનકડા એવા રોજીદમાં ચિતા પણ ખૂટી પડી હતી. ચિતા ખુટતા જમીન પર અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. હજી પણ અન્ય મૃતદેહોને હોસ્પિટલમાંથી લાવવામાં આવ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે.
બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના રોજીદ અને આજુબાજુના ગામોમાં ઝેરી દારૂ પીવાની ઘટનાએ રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવમાં ભોગ બનેલા પૈકી હાલ 38 લોકોને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હજુ પણ બોટાદ અને ધંધુકા પંથકમાંથી સારવાર માટે ભાવનગર લાવવામાં આવી રહ્યા છે. જ્યારે મોતનો આંક હજુ પણ વધે તેવી પૂરી શકયતા છે.
બોટાદ જીલ્લાના રોજીદ-ચંદરવા-દેવગણા સહિતના ગામો અને ધંધુકા પંથકના અણીયાળી, ઉચડી, આકરું સહિતના અન્ય ગામોમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોની તબિયત લથડી હતી. આ બનાવના પગલે ભોગ બનનાર લોકોને તાકીદે સારવાર માટે બોટાદ અને ધંધુકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે સાંજના સુમારે અનેક લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રાત્રિના 1 વાગ્યા સુધીમાં 38 લોકોને અહી લાવવામાં આવ્યા હતા. બોટાદમાં ઝેરી દારૂકાંડ મામલે આરોગ્ય ટીમ એક્શનમાં આવી છે. રોજીદ ગામમાં હજી અન્ય કેટલા લોકો ઝેરી દારુની અસરમાં આવ્યા છે, તેની આરોગ્યની ટીમે તપાસમાં ગોઠવાઈ છે. ગત રોજ નશો કરેલા હોય તેવી વ્યક્તિઓને શોધવામાં આવી રહ્યાં છે.