— બનાવને લઈ ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો :
— બંદુકથી માર્યા બાદ ગાયનું ગળું કાપી નાખનાર સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ :
ગરવી તાકાત લાખણી : લાખણી તાલુકાના જસરા ગામના ગૌચરમાં રાતના સુમારે અજાણ્યા ઈસમો નીલ ગાયની બંદૂકના ભડાકે હત્યા કરી ગળું પણ કાપી નાખ્યું. જે બંદૂકનો અવાજ સાંભળી લોકો દોડી આવતા અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા.
જસરા ગામના ગૌચરમાં અનેક નીલ ગાયો વસવાટ કરે પરંતુ છેલ્લા ઘણા સમયથી નીલ ગાયોની હત્યા થવા લાગી છે. ગત મધરાતના સુમારે પણ અજાણ્યા ઈસમોએ નીલ ગાયની બંદૂકના ભડાકે હત્યા કરી ગળું પણ કાપી નાખ્યું હતું. પરંતુ બંદૂકના ભડાકાનો અવાજ સાંભળી લોકો દોડી આવતાં નરાધમો ફરાર થઈ ગયા.
આ બાબતે દોડી આવેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહેશભાઈ દવેએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા આર.એફ.ઓ ટીમ સાથે દોડી આવી .અને મૃતક નીલ ગાયનો કબજો મેળવી પશુ ચિકિત્સક જોષી પાસે પોસ્ટ મોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
આ બાબતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવેએ જણાવ્યું કે ગૌચરમાં દિવસના સુમારે બાઈક પર આવતા બુકાનીધારીઓ રેકી કરે છે અને રાત્રે નીલ ગાયોની હત્યા કરી નાખે. અગાઉ પણ આવા બનાવો બનવા પામેલ છે જે બાબતે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી.
ગામલોકોએ આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે હાલના તબક્કે એક નીલ ગાયનો મૃતદેહ મળી આવ્યો છે. પણ બે નિલ ગાયની હત્યા કરવામાં આવી હોવાના પુરાવા મળી આવ્યા છે. થોડા સમયમાં અંદાજે ૧૦૦ જેટલી નિલ ગાયોની હત્યા કરવામાં આવી છે. જેમાં ડફેર ટોળકી સંડોવાયેલી હતીે.


