બિપરજોય વાવાઝોડાથી બાગાયતી પાકને થયેલા નુકસાનીનો અહેવાલ તૈયાર કરાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 05- રાજ્ય સરકારે કેબિનેટ મંત્રીમંડળની બેઠકનું આયોજન કર્યું હતું. તેમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેક મોટા નિર્ણય પણ લેવામાં આવ્યા હતા.

આ બેઠકમાં બેચરાજીમાં આવેલા બહુચરાજી માતાના મંદિરનું નવીનીકરણ કરવામાં આવશે તેવો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવીનીકરણ માટે 70 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવીનીકરણમાં મંદિરના શિખરની ઉંચાઈ વધારીને 86.2 ફૂટ કરવામાં આવશે.
આ ઉપરાંત બિપરજોય વાવાઝોડાથી બાગાયતી પાકને થયેલા નુકસાનીનો અહેવાલ તૈયાર કરી નાંખવામાં આવ્યો છે. ત્યારે ટૂંક સમયમાં જ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સરકારે પશુ મૃત્યુ, કાચા મકાનમાં આંશિક નુકસાન જેવા કેસમાં કેશડોલ્સ ચૂકવી દીધી છે.
આ સાથે જ સાથે સરકારે PM-JAY યોજના હેઠળ 5 લાખના બદલે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. તે આગામી 11 જુલાઈથી લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત હાઈકોર્ટમાં વધી રહેલા કેસના ભારણને ઘટાડવા સરકારને હાઈકોર્ટમાંથી સમયસર માહિતી મળી રહે તે માટે કાયદા વિભાગ દ્વારા 9 નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લા કોર્ટમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.


