સાબરકાંઠાના સલાલ ખાતે નકલી દૂધ બનાવતી ડેરી પર તંત્રના દરોડા, ૧૩૭૦ લિટર દૂધનો નાશ કરાયો
ગરવી તાકાત, ઇડર
અહેવાલ રાકેશ નાયક, ઇડર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે લોકસ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ગંભીર ઘટના સામે આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), સાબરકાંઠા અને હિંમતનગર એલ.સી.બી. એકમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલ તપાસમાં ‘મે. સત્યા ડેરી પ્રોડક્ટ્સ’ નામની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી મિશ્ર દૂધ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા શંકાસ્પદ તેલ, પાવડર અને યુરિયા જેવા જોખમી પદાર્થો મળી આવ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસર જે.ડી. ઠાકોર અને એલ.સી.બી. પી.આઈ. ડી.સી. સાકરીયાની ટીમે સ્થળ પર જ અંદાજે ૧૩૭૦ લિટર શંકાસ્પદ દૂધના જથ્થાનો નાશ કર્યો હતો.




તંત્ર દ્વારા સ્થળ પરથી મિશ્ર દૂધ ઉપરાંત ભેળસેળ માટે વપરાતા બંસી રિફાઈન્ડ સોયાબીન ઓઈલ, ન્યુટ્રીલાઈવ ગોલ્ડ રિફાઈન્ડ પામોલીન તેલ, અમૂલ વ્હે પાવડર, પારુલ લોર્ડ કૃષ્ણા સ્કિમડ મિલ્ક પાવડર અને ખુલ્લા યુરિયાના નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે એમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.


