– મહેસાણા જિલ્લામાં 28 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે
– મહેસાણા શહેર, ગ્રામ્ય અને વિસનગર ઝોનમાં ધો.10ના 41 પરીક્ષા કેન્દ્ર તથા ધો.12ના 30 પરીક્ષા કેન્દ્ર
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૮ માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લામાં ધોરણ ૧૦ માં કુલ ૩૪,૭૯૦ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૧૫,૯૨૧ તથા વિજ્ઞાાન પ્રવાહમાં કુલ ૩૯૫૯ છાત્રો પરીક્ષા આપશે. આમ, ધો.૧૦ અને ધો.૧૨માં કુલ ૫૪,૬૭૦ વિદ્યાર્થી પરિક્ષા આપશે.
મહેસાણા જિલ્લામાં આગામી ૨૮ માર્ચથી શરૃ થનાર ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં કુલ ૩૪,૭૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે. જેના માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ધો.૧૦ ની પરીક્ષા માટે કુલ ૪૧ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા મહેસાણા શહેર, ગ્રામ્ય તથા વિસનગર એમ ત્રણ ઝોન દીઠ કરવામાં આવી છે. જેમાં પરીક્ષા બિલ્ડીંગ ૧૧૫ તથા ૧૨૨૦ પરીક્ષા બ્લોક નિયત કરાયા છે. તેવી જ રીતે, ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહના કુલ ૧૫,૯૨૧ છાત્રો માટે પરીક્ષા કેન્દ્ર ૨૨ તથા પરીક્ષા બિલ્ડીંગ ૫૫ અને ૫૨૪ પરીક્ષા બ્લોક તેમજ વિજ્ઞાાન પ્રવાહના કુલ ૩૯૫૯ પરીક્ષાર્થીઓ માટે ૮ પરીક્ષા કેન્દ્ર તેમજ ૧૯ પરીક્ષા બિલ્ડીંગ અને ૨૦૧ પરીક્ષા બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એસ.એસ.સી.ઝોન-૧૯ (મહેસાણા શહેર)માં ગોઝારીયા, કુકરવાડા, મહેસાણા શહેર, પિલવાઈ, ઊંઝા, વિજાપુર, ફલુ, સરદારપુર, ટીંટોદણ, ઉનાવા, કહોડા એમ ૧૧ પરીક્ષા કેન્દ્ર તેમજ ઝોન-૨૦ (મહેસાણા ગ્રામ્ય) માં આંબલીયાસણ, બેચરાજી, જોટાણા, કડી, બલોલ, મોઢેરા, મહેસાણા ગ્રામ્ય, વડુ, માથાસુર, થોળ, ડાંગરવા, કરણનગર, નંદાસણ, રણેલા એમ ૧૪ પરીક્ષા કેન્દ્ર ઉપરાંત, ઝોન-૨૧ (વિસનગર) ખાતે ખેરાલુ, સતલાસણા, વડનગર, વિસનગર, ખરોડ, વાલમ, ગોરીસણા, ગોઠવા, કાંસા, ઉણાદ, સિપોર, ઉમતા, મહિયલ, હિરવાણી, ભાલુસણા અને ડભોડા મળી ૧૬ પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે. તેવી જ રીતે, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, ઝોન-રર (મહેસાણા) માટે કડી, નંદાસણ, મહેસાણા પૂર્વ, ઊંઝા, મહેસાણા પશ્ચિમ, બેચરાજી, વડુ, આંબલીયાસણ, મહેસાણા મળી ૯ પરીક્ષા કેન્દ્ર અને ઝોન-૨૩ (વિસનગર) માં ખેરાલુ, સતલાસણા, ગોરીસણા, ડભોડા, પિલવાઈ, વડનગર, વિજાપુર, સરદારપુર, વિસનગર, ખરોડ, બિલીયા, કુકરવાડા, વિસનગર મળી ૧૩ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા લેવાશે. ઉલ્લેખનીય છે કે, ધો.૧૨ મહેસાણા-૧, ઝોન રર વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા કડી, મહેસાણા પૂર્વ અને પશ્ચિમ તથા ઊંજા એમ ત્રણ કેન્દ્ર ઉપરાંત મહેસાણા-ર, વિસનગર, ઝોન-૨૩ ખેરાલુ, પિલવાઈ, વિજાપુર અને વિસનગર સહિતના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય — મહેસાણા


