ગરવી તાકાત મહેસાણા: મહેસાણા શહેરથી માત્ર ચાર કિલોમીટર અંતરે આવેલા પાલોદર ગામનો ત્રણ કિમીનો માર્ગ બિસ્માર બન્યો છે. રામોસણાથી પાલોદર તરફ જતા રોડની વર્ષોથી ભંગાર જેવી સ્થિતિ છે. સમસ્ત માર્ગ ઉપર દર એક મીટરે એક કે બેથી વધુ ખાડાઓ જોવા મળે છે. જેથી વાહન ચાલકો અને દર્શનાર્થીઓને અકસ્માત થવાનો ડર રહે છે. હજુ સુધી આ માર્ગ બાબતે તંત્ર કે નેતાઓએ ધ્યાન નહી આપતાં હજારો દર્શનાર્થીઓ સહિત ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે.
મહેસાણા જિલ્લાના નજીકમાં આવેલું ચોસઠ જોગણી માતાજીના યાત્રાધામ તરીકે જાણીતા પાલોદર ગામમાં દર રવિવાર, મંગળવાર અને પૂનમે હજારો દર્શનાર્થીઓ આવે છે. અહીંના રામોસણાથી પાલોદર ગામ તરફના ત્રણ કિમીના રોડ ઉપર દર મીટરે અડધા ફૂટ જેટલા ઊંડા ખાડાઓની વણજાર લાગેલી જોવા મળે છે. પાલોદરના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમારા બહુચરાજી વિસ્તારના ધારાસભ્ય ભરત ઠાકોર અનેક વખત આ માર્ગનો ઉપયોગ કરે છે. અને ગામમાં પ્રસંગોપાત સમયે હાજરી પણ અચૂક આપે છે. પરંતુ આ માર્ગની બિસ્માર હાલત તેમના ધ્યાને હોવા છતાં આજદિન સુધી પોતાની ગ્રાન્ટમાંથી એક રૃપિયો ખર્ચ્યો નથી. જેથી ૨૦૧૭માં તો જીતાડયા છે પરંતુ આગામી ૨૦૨૨ની વિધાનસભા ચુંટણીમાં હરાવીશું તેવું રોષ પૂર્વક જણાવ્યું હતું.પાલોદર ગામે ચોસઠ જોગણી માતાજીનો લોકમેળો ફાગણ વદ-૧૧ અને ૧૨ એમ બે દિવસ રહે છે. જે માર્ચ માસમાં આ મેળાનું આયોજન થવાની ગણતરી હોવાથી જાતરમાં હજારો શ્રધ્ધાળુઓ માટે પરેશાની ઉભી થાય તે પહેલા આ બિસ્માર માર્ગ જેથી થીગડ-થાગડ અને કમરતોડ ખાના વિનાનો બનાવવો જરૃરી છે. આથી માર્ગ મકાન વિભાગ આ બાબતે ધ્યાન આપે તેવી લોકમાંગ છે.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા


