— મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નગરાસણ ગામની ઘટના :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નગરાસણ ગામમાં 5 વર્ષ અગાઉ હત્યાની ઘટનામાં સંડોવાયેલા 4 આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો.
કડીના નગરાસણ ગામમાં રહેતા શારદાબેન બાબુભાઈ પરમારના દિકરાએ ઘટનાના 7 વર્ષ અગાઉ ગામના અમરતભાઈ પરમારની દિકરી સાથે પ્રેમલગ્ન કર્યા. જેની અદાવત રાખીને પરમાર ચિરાગ અમૃતભાઈ, પરમાર વિશાલ ભીખાભાઈ,પરમાર અમૃતભાઈ પશાભાઈ અને પરમાર ભીખાભાઈ કચરાભાઈ લોખંડની પાઈપ અને લાકડીઓ લઈને તેમના ઘરે આવ્યા. અહીં તેમણે જેલમાં પુરાવવા માંગો છો તેવું કહીને તકરાર કરી અને 4 જણાએ ઉશ્કેરાઈ જઈને વૃધ્ધ દંપતી પર હુમલો કરીને પાઈપ અને લાકડીઓ ફટકારતાં ગંભીર ઈજા થઈ.
ત્યારબાદ તેઓને સારવાર માટે કુંડાળ સિવીલમાં લઈ જવાયા બાદ બન્નેને અમદાવાદ સિવીલમાં રીફર કરવામાં આવ્યા. અહીં સારવાર દરમિયાન 5 દિવસ બાદ ઈજાગ્રસ્ત ફરીયાદીના પતિ બાબુભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ આર.એ.બુખારી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ ભરત જી. પટેલની દલીલો, 22 સાક્ષીઓની જુબાની અને 43 પુરાવાના આધારે અદાલતે 4 આરોપીને દોષિત ઠેરવ્યા. કસુરવાર ઠરેલા આરોપી ચિરાગ પરમાર, વિશાલ પરમાર, અમૃતભાઈ પરમાર અને ભીખાભાઈ પરમારને આજીવન કેદની સજા ફટકારી હતી.