જૂનાગઢ એસઓજીના તોડકાંડમાં 335 શંકાસ્પદ ખાતા નિશાન પર લેવાયાં  

January 30, 2024
માસ્ટર માઇન્ડ પીઆઇ તરલ ભટ્ટનો 50% ભાગ 1 નવેમ્બરથી એકાઉન્ટ ફ્રીઝ કરાવવાનું શરૂ કર્યું: એટીએસે સાહિત્ય કબ્જે કર્યું

ગરવી તાકાત, જુનાગઢ તા.30 – જૂનાગઢ એસઓજીના તોડકાંડ મામલે છેલ્લા બે દિવસથી ગુજરાત એટીએસની ટીમ જૂનાગઢમાં આવી પહોંચી છે, અહી અલગ અલગ સ્થળે તેઓએ તપાસ કરીને એસઓજી ઓફિસનું કેસને લગતું સાહિત્ય કબજે કરીને કેસ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ રડારમાં છે. કરોડોના સટ્ટકાંડ મામલે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ફરાર માણાવદરના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટ માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે, તેમના દ્વારા જ એસઓજીને શંકાસ્પદ 335 બેંકના એકાઉન્ટની ડીટેઇલનું ઈનપુટ આપવામાં આવ્યું હતું, પરંતુ ખરેખર આ ઈનપુટ તરલ ભટ્ટ પાસે કેવી રીતે આવ્યું તેણે અત્યાર સુધીમાં આનો કેવી રીતે ક્યાં ક્યાં દુરુપયોગ કર્યો તેની તપાસ ચાલી રહી છે.

આ કેસની તપાસ જયારે ગુજરાત એટીએસને સોપવામાં આવી ત્યારથી બે દિવસથી ગુજરાત એટીએસની ટીમ જૂનાગઢ આવી અલગ અલગ સ્થળે તપાસ કરી રહી છે, જે અંગે તેઓ સ્થાનિક રેંજ આઈજી કે એસપી સાથે સંપર્કમાં નથી, જેથી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સુત્રોમાંથી મળતી હકીકત અનુસાર એટીએસ ટીમે જૂનાગઢ એસઓજી ઓફિસનું આ કેસને લગતું તમામ સાહિત્ય અને દસ્તાવેજો કબજે કર્યા છે. જયારે સર્કલ પી.આઈ. તરલ ભટ્ટનો ડ્રાઈવર પણ એટીએસ સમક્ષ ગાડીની લોગબુક સાથે હાજર થયો છે. તેમની પૂછપરછ સાથે એટીએસની રડારમાં હાલ આ કેસ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ છે.

લાખો-કરોડોના વ્યવહાર થયા હોય તેવા બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરાવીને મોટી રકમનો તોડ કરવાના જુનાગઢ પોલીસના કથિત કાંડમાં પોલીસ સિવાય બીજા પણ લોકો સંડોવાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે. આ કેસમાં જુનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જુનાગઢ સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ.એમ. ગોહિલ, એએસઆઇ દીપક જાની અને માણાવદરના સર્કલ પી.આઈ. અને આ કાંડના કહેવાતા મુખ્ય ભેજાબાજ તરલ ભટ્ટને આરોપી બનાવવામાં આવ્યા છે.

હાલ આ મામલાની તપાસ કરી રહેલી ગુજરાત એટીએસના ડીઆઇજી દીપન ભદ્રને ખાસ ટીમ બનાવીને કૌભાંડના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે, ત્યારે સૂત્રોના હવાલેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે પોલીસ તપાસનો રેલો આગામી દિવસોમાં બેંકોના અધિકારીઓ સુધી પણ પહોંચી શકે છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પીઆઈ ગોહિલે પોતાની ઓફિસના લેન્ડ લાઈન નંબર પરથી બેંકો અને અમુક ખાતેદારોને ફોન કર્યા હતા, જેથી તેની પણ કોલ ડિટેઈલ્સ મેળવવામાં આવી રહી છે. કેરળના એક યુવકના એચડીએફસી બેંકમાં રહેલા અકાઉન્ટને ફ્રીઝ કર્યા બાદ તેને જુનાગઢ બોલાવી તેની પાસેથી એએસઆઇ જાનીએ 25 લાખ રૂપિયાની કથિત ડિમાન્ડ કર્યા બાદ રેન્જ આઈજીને રજૂઆત કરાયા બાદ આ કાંડનો ભાંડો ફુટ્યો હતો, પરંતુ ફરિયાદ નોંધાઈ ત્યાં સુધીમાં આ કેસના ત્રણેય આરોપી એવા સસ્પેન્ડેડ પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા હતા.

એએસઆઇ દીપક જાનીએ માણાવદર સર્કલ પીઆઈ તરલ ભટ્ટે સાયબર ક્રાઈમના ઈન્સ્પેક્ટર ગોહિલને 335 બેંક અકાઉન્ટ્સની વિગતો ધરાવતી ત્રણ એક્સેલ શીટ મોકલી હોવાનો દાવો કર્યો હતો. જોકે, તરલ ભટ્ટ પાસે આ માહિતી ક્યાંથી આવી તેની કોઈ વિગતો હજુ સુધી જાણવા નથી મળી. બીજી તરફ સૂત્રોના હવાલેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે વિવાદિત ભૂતકાળ ધરાવતા તરલ ભટ્ટ ધરપકડથી બચવા માટે વિદેશ ભાગી ગયા હોય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

તરલ ભટ્ટે આપેલા લિસ્ટના આધારે પીઆઈ ગઢવીએ જે 335 બેંક અકાઉન્ટને ટાર્ગેટ કર્યા હતા તેને ફ્રીઝ કરાવવા માટે ફેક ઈનપુટ ઉભું કરવામાં આવ્યું હતું અને તેના આધારે જ બનાવટી નોટિસો કાઢીને બેંકોને અકાઉન્ટ્સ ફ્રીઝ કરવા માટે આદેશ કરાયો હતો. તરલ ભટ્ટ સહિતના ત્રણ પોલીસકર્મીની ત્રિપુટીએ આચરેલા આ કાંડને ગુજરાત પોલીસનો અત્યારસુધીનો સૌથી મોટો કાંડ પણ ગણાવવામાં આવી રહ્યો છે, જેમાં તોડની રકમના 50% તરલ ભટ્ટને મળતા હતા તેવી પણ ચર્ચા છે, અને આ રકમનો વહીવટ તરલ ભટ્ટ અમદાવાદ સ્થિત પોતાના બાતમીદારો દ્વારા કરાવતા હતા તેવા પણ દાવા થઈ રહ્યા છે.

વિવાદિત ભૂતકાળ –  તરલ ભટ્ટ અમદાવાદમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચમાં તૈનાત હતા ત્યારે તેમના પર 1800 કરોડ રૂપિયાના એક સટ્ટા કૌભાંડમાં મોટો તોડ કરવાનો આક્ષેપ થયો હતો, અને આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેમની વિરૂદ્ધ તપાસ પણ શરૂ કરાઈ હતી અને ત્યારબાદ તેમની રાતોરાત જુનાગઢ બદલી કરી દેવાઈ હતી. જોકે, જુનાગઢ પહોંચીને પણ તરલ ભટ્ટે પોતાના જૂના સંપર્કો દ્વારા જેમાં સટ્ટાની રકમની લેવડ-દેવડ થતી હોય તેવા બેંક અકાઉન્ટ્સની માહિતી મેળવીને એક નવું જ પ્રકરણ શરૂ કર્યું હતું તેવો સૂત્રોનો દાવો છે.

તરલ ભટ્ટ આણીમંડળીએ જે બેંક અકાઉ્ન્ટસને ટાર્ગેટ કર્યા હતા તેમાંના અમુક જેન્યુઈન હતાં, જ્યારે મોટાભાગના અકાઉન્ટ્સ ફેક દસ્તાવેજો દ્વારા ખોલાવવામાં આવ્યા હતા. તરલ ભટ્ટ દ્વારા મોકલાયેલી એક્સેલ શીટમાં જે અકાઉન્ટ્સની વિગતો હતી તેમને ફ્રીઝ કરાવવાનું જુનાગઢ સાયબર ક્રાઈમ દ્વારા 17 નવેમ્બર 2023થી શરૂ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે ફ્રીઝ થયેલા મોટાભાગના અકાઉન્ટ્સ ફરી એક્ટિવ કરાવવા માટે લાખો-કરોડોના વ્યવહાર થયા હોવાની પણ પૂરી શક્યતા છે.

 

 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0