ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠા નુકસાનીનો સર્વે
યાર્ડમાં ડુંગળી વેંચનાર ખેડુતને કિલો રૂા. 2 અને ટ્રાન્સપોર્ટમાં ટન રૂા.750 થી 1150ની સહાય
ગરવી તાકાત, ગાંધીનગર તા. 07 – ઉનાળાના પ્રારંભે જ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કહેરથી વિવિધ ખેતપેદાશોને મોટુ નુકસાન થવાની આશંકા વચ્ચે કિસાનોને સહાય કરવા માટે રાજય સરકારે સર્વે કરાવવાનું જાહેર કર્યુ છે. ઉપરાંત ડુંગળી-બટેટામાં ભાવ તળીયે પહોંચી જતા ઉત્પાદક ખેડુતોને વેચાણ અને ટ્રાન્સપોર્ટમાં સહાય જાહેર કરવામાં આવી છે. 
રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલે એમ જણાવ્યું હતું કે માવઠાના કારણે ખેતપેદાશોને વ્યાપક નુકસાનની આશંકા છે. આ સંજોગોમાં રાજય સરકાર નુકસાની સર્વે કરાવશે અને તેના આધારે કિસાનોને સહાય જાહેર કરવામાં આવશે. બીજી તરફ વિધાનસભામાં તેઓએ ડુંગળી-બટેટા પકાવતા ખેડુતોને જુદી જુદી સહાયની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે લાલ ડુંગળીના 7 લાખ ટનના ઉત્પાદન વચ્ચે ભાવો નીચા આવી ગયા છે.
આ સંજોગોમાં માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચતા ખેડુતોને 250 કવીન્ટલના એક કટ્ટા એવા 500 કટ્ટાની મર્યાદામાં કટ્ટા દીઠ રૂા.100 અર્થાત પ્રતિ કિલો રૂા. બેની સહાય આપવાનું નકકી કરવામાં આવ્યું છે. જે પેટે ખેડુતોને અંદાજિત 70 કરોડની સહાય કરવામાં આવશે. આ સિવાય ડુંગળીના ટ્રાન્સપોર્ટેશન સહાય જાહેર કરતા તેઓએ ઉમેર્યુ હતું કે રોડ ટ્રાન્સપોર્ટ મારફત ડુંગળી પરિવહનમાં પ્રતિ ટન રૂા.750 રેલવે મારફત રૂા. 1150 તથા દેશ બહાર નિકાસના સંજોગોમાં 10 લાખની મર્યાદામાં ટ્રાન્સપોર્ટ સહાય કરવામાં આવશે. 
આ સહાય પેટે 20 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ડુંગળીની જેમ બટેટા માટે પણ સહાય જાહેર કરવામાં આવી છે. 40.26 લાખ ટન બટેટાના ઉત્પાદનનો અંદાજ દર્શાવતા તેઓએ જણાવ્યું હતું કે જથ્થાબંધ સરેરાશ ભાવ રૂા.544 છે. જેના કારણે સહાય આપવાની રજુઆતોને ધ્યાનમાં રાખીને સરકારે વિવિધ નિર્ણયો કર્યા છે. ટ્રાન્સપોર્ટ સહાય પેટે 20 કરોડની સહાય અપાશે જેમાં રોડ ટ્રાન્સપોર્ટમાં પ્રતિ ટન રૂા.750, રેલવે મારફત ટ્રાન્સપોર્ટ પ્રતિ ટન રૂા.1150 તથા નિકાસના સંજોગોમાં 10 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
30-4 સુધી આ સહાય અપાશે. આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજમાં માત્ર આવા માટે સંગ્રહ કરવામાં આવે તો પ્રતિ કિલો રૂા. 1 અર્થાત પ્રતિ કટ્ટા રૂા.250ની સહાય કરવામાં આવશે. 600 કટ્ટાની મર્યાદામાં આ સહાય 1-2થી 31-3-2023 સુધી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરે તેને અપાશે. આ સહાય પેટે 200 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં બટેટા વેંચનાર ખેડુતને કટ્ટા દીઠ રૂા.50 અર્થાત પ્રતિ કિલો રૂા.1ની સહાય આપવામાં આવશે. તેનો ળો પણ તા.1-2થી 31 માર્ચ સુધીનો રહેશે તે પેટે 20 કરોડની સહાય ચૂકવાશે.


